ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)ની આગામી ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ઉમેદવારીની બીજી યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તથા મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટે એક વીડિયો સંદેશ મારફતે આ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાના માર્ગદર્શન હેઠળ વધુ 6 ઉમેદવારોના નામોની ઘોષણા કરવામાં આવી છે. અગાઉ 23 ઉમેદવારો જાહેર કરાયા હતા, જેને પગલે હવે ગાંધીનગરમાં AAPના કુલ 29 ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે.
વોર્ડ વાઈઝ ઉમેદવારોની વિગતો અને દ્વારકા પેટાચૂંટણીની જાહેરાત
નવી જાહેર કરાયેલી યાદી મુજબ, ગાંધીનગરના વોર્ડ નંબર 2 માંથી ઈશ્વરભાઈ વાઘેલા અને વિલાસબેન મકવાણા, વોર્ડ નંબર 4 માંથી સીરીનબાનુ મન્સૂરી, શરીફ મકરાણી અને લાલભાઈ વણઝારા તેમજ વોર્ડ નંબર 5 માંથી જય વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત, આવનારી જિલ્લા પંચાયતની પેટાચૂંટણી અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાડથર સીટ માટે વીરાભાઈ કંદોરીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવનારા સમયમાં બાકી રહેતા અન્ય વોર્ડના ઉમેદવારોના નામ પણ તબક્કાવાર જાહેર કરવામાં આવશે.

