ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ રાજકીય ગરમાવો વધી ગયો છે. આ કડીમાં આમ આદમી પાર્ટી (AAP) એ અન્ય રાજકીય પક્ષો કરતાં પહેલાં બાજી મારીને 23 ઉમેદવારોની પોતાની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. AAP સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પત્રકાર પરિષદ યોજીને ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરી હતી. જાહેર કરાયેલી પ્રથમ યાદીમાં ડોક્ટર, વકીલ સહિત સમાજના વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત અગ્રણીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત વર્તમાન કોર્પોરેટર તુષાર પરીખને પણ ફરી એકવાર વોર્ડ નંબર 6 માંથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
વોર્ડ નંબર 10 માંથી ટ્રાન્સજેન્ડર એન્જલ માસીને ટિકિટ
આમ આદમી પાર્ટીએ સમાજના તમામ વર્ગોને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કર્યો છે, જેના ભાગરૂપે વોર્ડ નંબર 10 માંથી ટ્રાન્સજેન્ડર (કિન્નર) ઉમેદવાર એન્જલ માસી (મૂળ નામ જય પારેખ) ને ટિકિટ આપવામાં આવી છે. એન્જલ માસી ગાંધીનગરમાં પોતાના સામાજિક કાર્યો માટે જાણીતા છે. અગાઉ રાત્રિના સમયે ગાંધીનગરમાં એક બાળકી પર થતા બળાત્કારના પ્રયાસને એન્જલ માસીએ પોતાની સુઝબુઝથી નિષ્ફળ બનાવ્યો હતો અને એકલા જંગલ જેવા વિસ્તારમાં પહોંચીને નરાધમોને ભગાડી બાળકીનો જીવ બચાવ્યો હતો.


