રાજ્યમાં ખેડૂતો માટે મહત્વના નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે. આજે યોજાયેલી કેબિનેટ બેઠક બાદ સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતો માટે આવતીકાલ એટલે કે 10 સપ્ટેમ્બરથી ઓનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ થશે.

10 સપ્ટેમ્બરથી શરૂ થશે પ્રક્રિયા, ખેડૂતો ક્યાં કરાવશે રજિસ્ટ્રેશન?

ખેડૂતો VCE મારફતે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરવામાં આવશે. સરકાર મુજબ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 30 દિવસ સુધી ચાલુ રહેશે, જેથી ખેડૂતોને નોંધણી કરાવવા માટે પૂરતો સમય મળી રહે.

દુષ્કાળના સવાલ વચ્ચે સરકારનો શું દાવો?

રાજ્યમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ અંગે પણ સરકાર તરફથી સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે અગાઉ યોજાયેલી બેઠક નિયમિત પ્રક્રિયાનો ભાગ હતી. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે પશુઓ માટે ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે, જ્યારે નર્મદાનું પાણી આપવાની શરૂઆત પણ કરવામાં આવી છે.

ખેડૂતો માટે સરકાર સંવેદનશીલ હોવાનો દાવો, હવે નિર્ણયની અસર શું?

સરકાર તરફથી ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ટેકાના ભાવે ખરીદીનો નિર્ણય ખેડૂતોને તેમના પાક માટે યોગ્ય ભાવ મેળવવામાં કેટલી રાહત આપે છે, તેના પર હવે સૌની નજર રહેશે.

મત્સ્ય બંદરોને પણ કેબિનેટની લીલી ઝંડી

કેબિનેટ બેઠકમાં મત્સ્ય ક્ષેત્રના વિકાસ માટે પણ મહત્વના નિર્ણયો લેવાયા છે. સોમનાથના રાજપરા ફિશ લેન્ડિંગ સેન્ટર માટે રૂ.188 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત પોરબંદર અને વલસાડના બંદરોના વિકાસ માટે પણ મંજૂરી આપવામાં આવી છે.દરમિયાન વડોદરામાં યોજાયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને ભવ્ય સફળતા મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર આયોજન બદલ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. 


આ પણ વાંચો :  Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું