Gandhinagarમાં અનોખી ચોરી: મોંઘવારી વચ્ચે દૂધ, દહીં અને છાશના કેરેટ ઉપાડી જતો તસ્કર ઝડપાયો
મોંઘવારીના જમાનામાં ચોરીના વિચિત્ર અને ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગાંધીનગર શહેરમાં વહેલી સવારે ડેરીઓ અને દુકાનો બહાર મુકવામાં આવતાં દૂધ, દહીં અને છાશના કેરેટની ચોરી કરતી શાતિર ગેંગના એક તસ્કરને ગાંધીનગર પોલીસે પકડી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રિક્ષા સહિત કુલ ₹3.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગોકળપુરાના શિવા ભરવાડની ધરપકડ, 3 ગુનાનો ખુલાસો
ઝડપાયેલા આરોપીની ઓળખ ગોકળપુરા વિસ્તારના શિવા ભરવાડ તરીકે થઈ છે. ગાંધીનગરના સેક્ટર 21 અને સેક્ટર 7 પોલીસ મથકમાં દૂધના કેરેટ ચોરી થવા અંગે અગાઉથી 3 જેટલા ગુનાઓ નોંધાયા હતા. પોલીસે આ ચોરીઓનો તાગ મેળવવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, જેના અંતર્ગત શિવા ભરવાડને દબોચી લેવામાં સફળતા મળી છે.
CCTV વગરના વિસ્તારો ટાર્ગેટ કરી ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી
આરોપીની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. વહેલી સવારે જ્યારે પાર્લર કે દુકાનો બંધ હોય ત્યારે સપ્લાયરો બહાર દૂધ-દહીંના કેરેટ મૂકીને જતા રહેતા હતા. આરોપી શિવા ભરવાડ એવા વિસ્તારોની રેકી કરતો હતો જ્યાં સીસીટીવી (CCTV) કેમેરા ન હોય. ત્યારબાદ નજર ચૂકવીને વાહનમાં કેરેટ ભરીને ફરાર થઈ જતો હતો. આરોપી પકડાતાં ગાંધીનગરમાં વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો