ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. પક્ષ દ્વારા તમામ 44 બેઠકો પર સત્તાવાર ઉમેદવારોના ફોર્મ ભરી દેવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની ટેકનિકલ ખામી કે કાનૂની અડચણથી બચવા માટે ભાજપે તમામ બેઠકો પર ડમી ઉમેદવારો પણ ઉભા રાખ્યા છે. આમ, ભાજપ દ્વારા સત્તાવાર રીતે કુલ 88 ઉમેદવારી પત્રો દાખલ કરવામાં આવ્યા છે, જેના કારણે ચૂંટણી માહોલમાં પક્ષની સંગઠનાત્મક શક્તિ અને સંપૂર્ણ તૈયારીઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
શહેર ભાજપ પ્રમુખ આશિષ દવેનું નિવેદન
ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ શહેર ભાજપ અધ્યક્ષ આશિષ દવેએ પક્ષના કાર્યકરો અને વ્યૂહરચના અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભાજપનો દરેક કાર્યકર સતત લોકોની વચ્ચે રહીને લોકસેવાના કાર્યો કરે છે. ભાજપ માટે ચૂંટણી એ માત્ર સત્તા મેળવવાનું સાધન નથી પરંતુ ફરી એકવાર પ્રજાની વચ્ચે જઈને તેમના આશીર્વાદ મેળવવાનો ઉત્સવ છે. તાજેતરની ચૂંટણીઓમાં પણ જનતાએ ભાજપને પ્રચંડ બહુમતી આપી છે અને ગાંધીનગરના નગરજનોના સુખાકારીમાં સતત વધારો થાય તેવા વિકાસકાર્યો પક્ષે કર્યા છે.
