ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. પક્ષ દ્વારા બાકી રહેલા ઉમેદવારોના નામો અંગે અંતિમ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. ગાંધીનગર શહેર કોંગ્રેસ પ્રમુખ સીધા કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા છે. પ્રદેશ નેતૃત્વની ખાસ સૂચના અનુસાર, જે ઉમેદવારોના નામો જાહેર કરવાના બાકી હતા તેમને હવે કોઈ જાહેર કાર્યક્રમ કે કાર્યાલયને બદલે સીધા કલેક્ટર કચેરી ખાતે જ મેન્ડેટ સોંપવામાં આવી રહ્યા છે.

પ્રદેશની સૂચનાથી વ્યૂહરચના બદલાઈ

ચૂંટણીના માહોલમાં આંતરિક અસંતોષ કે વિરોધ ટાળવા માટે કોંગ્રેસ પક્ષે આ ખાસ વ્યૂહરચના અપનાવી છે. પ્રદેશ કોંગ્રેસ તરફથી મળેલી સ્પષ્ટ સૂચનાઓને પગલે સ્થાનિક નેતાગીરીએ કલેક્ટર કચેરી પરિસરમાં જ ઉમેદવારોને રૂબરૂ બોલાવીને આખરી મેન્ડેટ સોંપવાની વ્યવસ્થા કરી છે. આ નિર્ણયને કારણે સમયનો બચાવ થશે અને પસંદ કરાયેલા ઉમેદવારો વિના કોઈ વિલંબે પોતાની ઉમેદવારી નોંધાવી શકશે.

ગાંધીનગર મનપાની 44 બેઠકો પર ચૂંટણીનો જંગ જામશે

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની કુલ 44 બેઠકો માટે આ ચૂંટણી યોજાઈ રહી છે. મુખ્ય રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ નક્કી કરાતાં જ સમગ્ર શહેરમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસે પણ 44 બેઠકો પર બરાબરની ટક્કર આપવા માટે વોર્ડ સ્તરે સંગઠનાત્મક તૈયારીઓ સઘન બનાવી દીધી છે અને સ્થાનિક કાર્યકરોને સક્રિય કરી દીધા છે.

આ પણ વાંચો : Ahmedabad News : સાણંદમાં પ્રોહિબિશન વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી, રૂ. 2.13 લાખથી વધુના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો