રાજ્યમાં સરદાર સરોવર નર્મદા ડેમ અત્યારે 46.96 ટકા ભરાયેલો છે. ડેમમાં હાલ 4,35,704 મિલિયન ઘનફૂટ પાણી ભરાયું છે. અત્યારે ઉપરવાસમાં વરસાદને કારણે નર્મદા ડેમમાં 19,358 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે 35,731 ક્યૂસેક જથ્થો નદીમાં વહાવાઈ રહ્યો છે. આવી જ રીતે ઉત્તર ગુજરાતનો ધરોઈ ડેમ હાલ 58.72 ટકા ભરાયો છે, જેમાં આજની તારીખે 59,166 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. સિંચાઈ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યારે ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ સહિત 21 ડેમ હાઈ એલર્ટ ઉપર 14 ડેમ એલર્ટ ઉપર તથા 18 ડેમ વોર્નિંગ સ્ટેજ ઉપર મુકાયેલા છે. ટૂંકમાં 16 ડેમ 100 ટકા, 14 ડેમ 80 ટકાથી વધુ અને 18 ડેમ 70 ટકાથી વધુ ભરાઈ ચૂક્યાં છે. નર્મદા ડેમ સિવાયના રાજ્યના કુલ 206 ડેમમાં અત્યારે 2,78,822 એમસીએફટી પાણીનો જથ્થો છે, જે કુલ સંગ્રહશક્તિના 49.96 ટકા દર્શાવે છે.
ડેમોના રિપેરિંગ પાછળ માત્ર 2 વર્ષમાં અધધધ 700 કરોડ ખર્ચાયા! રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ડેમ-જળાશયોના રિપેરિંગ પાછળ જંગી રૂ. 699 કરોડ ખર્ચાયા છે, જે પૈકી 2023-24માં રૂ.333 કરોડ અને 2024-25માં રૂ. 366 કરોડ ખર્ચ થયો છે અને હવે 2025-26ના વર્તમાન નાણાકીય વર્ષના બજેટમાં ડેમ-જળાશયોના મરમ્મત માટે રૂ. 501 કરોડની જોગવાઈ કરાઈ હોવાનું જળસંપત્તિ વિભાગે જાહેર કર્યું છે. જો કે બે વર્ષમાં રૂ. 700 કરોડની જંગી રકમ ક્યા ક્યા ડેમ-જળાશયોના રિપેરિંગ પાછળ ખર્ચાઈ તેની વિગતો જાહેર કરવામાં આવી નથી. રાજ્યમાં 19 મોટા ડેમ, 90 મધ્યમકક્ષાના અને 1006 નાના ડેમ મળીને કુલ 1115 ડેમ આવેલા છે, જે પૈકી 524 સ્પેસિફાઇડ ડેમ અને અન્ય વિભાગના 8 સ્પેસિફાઇડ ડેમ સમાવિષ્ટ છે. આ સ્પેસિફાઇડ ડેમ ડેમ સેફ્ટી એક્ટ હેઠળ આવરી લેવાયા છે.










