આગામી નવરાત્રીના પવિત્ર તહેવારને ધ્યાને રાખીને ગાંધીનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખેલૈયાઓની આરોગ્ય સુરક્ષા માટે મોટો નિર્ણય લેવાયો છે. ગાંધીનગર મનપાની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા નવરાત્રી દરમિયાન શહેરના તમામ મોટા ગરબા સ્થળો, પાર્ટી પ્લોટ અને જાહેર મેદાનોમાં ઉભા કરાતા ફૂડ સ્ટોલ્સની સઘન તપાસ હાથ ધરવામાં આવશે. ફૂડ સેફ્ટી ઓફિસર્સની ખાસ ટીમો નવરાત્રીના તમામ દિવસો દરમિયાન સતત સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરશે, જેથી ખાદ્યચીજોની ગુણવત્તા અને સ્વચ્છતાની યોગ્ય ચકાસણી કરી શકાય.

કૃત્રિમ રંગોના ઉપયોગ પર પ્રતિબંધ

ફૂડ વિભાગ દ્વારા તમામ ખાણી-પીણીના વેપારીઓ અને ગરબા આયોજકોને ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006’ ની જોગવાઈઓનું અક્ષરશઃ પાલન કરવા કડક સૂચના આપવામાં આવી છે. ખાદ્યચીજો તૈયાર કરતી વખતે હાનિકારક કૃત્રિમ રંગોનો ઉપયોગ ન કરવા અને સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા અખબારના કાગળ (છાપા) માં ખોરાક ન પીરસવા ખાસ તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત, રાંધવામાં વપરાતા તેલ અને સ્વચ્છતાના ધોરણોની પણ કડક તપાસ કરવામાં આવશે.

રજીસ્ટ્રેશન વગર સ્ટોલ ચલાવનાર સામે કાર્યવાહી

મનપા તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાયદેસરના રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ કે લાયસન્સ વગર કોઈપણ વેપારી કે સંચાલક ફૂડ સ્ટોલ ચલાવી શકશે નહીં. તપાસ દરમિયાન જે સ્ટોલ પાસે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ નહીં હોય અથવા આરોગ્યના નિયમોનો ભંગ જોવા મળશે, તેવા સ્ટોલ તાત્કાલિક ધોરણે બંધ કરાવીને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. ગંભીર બેદરકારી સામે આવે તો લાયસન્સ કે રજીસ્ટ્રેશન રદ કરવા સુધીના આકરા પગલાં લેવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો