ગુજરાત વિધાનસભામાં પ્રજાનું જનપ્રતિનિધિત્વ કરતા ધારાસભ્યો માટે અહીં સેક્ટર-17માં રૂ.140 કરોડના ખર્ચે બંધાયેલા લક્ઝુરિયસ ફ્લેટ- સદસ્ય આવાસ ભાઈબીજના દિવસે રહેવા માટે ખુલ્લા મુકાયા છે. કુલ 216 યુનિટમાંથી લાભ પાંચમથી દેવ દિવાળીની વચ્ચે 151 જેટલા ધારાસભ્યોને રૂ.15 લાખના ફર્નિચર રાચ રચીલાની સાથે ફ્લેટ ફાળવાશે. જેના માટે વિધાનસભાએ મહિને રૂ.37નું ભાડું નિયત કર્યું છે !
હાલમાં સેક્ટર-21 સ્થિત સદસ્ય નિવાસ સંકુલ આવેલું છે. જ્યાંથી ભુતકાળમાં વિદેશી દારૂની બોટલો મળી આવવાથી લઈ ક્વાર્ટરને ખાલી કરાવવા વિધાનસભા સચિવાલયના અધિકારીને તાળાં તોડવા પડયાની ઘટનાઓ પણ બહાર આવી છે. તદ્ઉપરાંત ધારાસભ્યપદની ગરિમા ઝંખવતા અનેક કિસ્સા પણ સર્જાયા છે. અલબત્ત આ સંકુલ વિધાનસભાની માલિકીનું હોવાથી કાયદો અને વ્યવસ્થા, ગરિમાનું અમૂલ્યન સર્જતા અનેક કિસ્સા પોલીસ ચોપડે નોંધાય તે પૂર્વે જ તેને દબાવી દેવાયા છે. સમાધાનમાં પલટાવી દેવાયા છે. જેની પાછળના જવાબદાર પરિબળો પૈકીનું એક કારણ કેટલાક ધારાસભ્યો દ્વારા MLA ક્વાટર્સને વિદ્યાર્થીઓ, નોકરિયાતોને ભાડે આપી એક પ્રકારે પેઈંગ ગેસ્ટનું થતુ સંચાલન પણ છે. સેક્ટર-17માં નવનિર્મિત સદસ્ય નિવાસનું સંકુલ કુલ 28,576 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. જ્યાં પ્રતિ આવાસ 238.45 ચોરસ મીટરની જગ્યા ઉપલબ્ધ છે. જેમાં ત્રણ બેડરૂમ, લિવિંગ રૂમ, કિચન, ઓફિસ રૂમ તથા સર્વન્ટ રૂમની સુવિધા પણ આપવામાં આવી છે. જેનું લોકાર્પણ ભાઈબીજના દિવસે ગૃહમંત્રી અમિત શાહે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્યોની હાજરીમાં કર્યું હતું.
દર 20 વર્ષે નવા MLA ક્વાર્ટર બાંધવા પડયા છે
સંયુક્ત મુંબઈ રાજ્યમાંથી ગુજરાત રાજ્યની સ્થાપના પછી સેક્ટર-17માં ધારાસભ્યોને રહેવા 41.46 ચોરસ મીટરના એક બેડરૂમ, એક ડ્રોઈંગ રૂમ, કિચન ટોઈલેટની સુવિધા સાથે આવાસ બાંધવામાં આવ્યા હતા. બાદમાં વધુ આવાસની જરૂરિયાત સર્જાતા સને 1990-91માં સેક્ટર-21માં 85.30 ચોરસ મીટરના બે બેડરૂમ, ડ્રોઈંગરૂમ, કિચન સાથેના કુલ 168 આવાસોને બાંધવામાં આવ્યા હતા. આવનારા સમયમાં નવા સીમાંકનથી વિધાનસભા સદસ્યોની સંખ્યા વધીને 220ને પાર થવાની છે ત્યારે સેક્ટર-17માં જૂના આવાસો તોડી 216 આવાસો તૈયાર કરાયા છે.
રૂ.15 લાખના રાચરચીલામાં શું છે ?
પૂર્ણતઃ વાતાનુકૂલિત ત્રણ બેડરૂમ, લોન્જર સાથે લિવિંગ રૂમમાં બે સોફા, 4 સોફા ચેર અને ટેબલ્સ ઓફિસ માટે 6 ખુરશી, એક ટેબલ, સ્મોલ સોફો, કિચનમાં એક ટેબલ ફેન, ફ્રિજ, ગેસ કનેક્શન !, ત્રણ એસી, ગેલેરીમાં આધુનિક એક હિંચકો પણ ડ્રાઈવર, સર્વન્ટ માટે ફ્લેટમાં જ એક અલગ રૂમ
356માંથી માંડ 65 દિવસ પણ ધારાસભ્યો રહેતા નથી
અધિકાંશ ધારાસભ્યો ગુજરાત વિધાનસભામાં મહિના માટે મળતા બજેટ સત્ર અને બે દિવસના ચોમાસું સત્ર દરમિયાન જ સદસ્ય આવાસમાં રહેતા હોય છે. વર્ષના 356 માંથી 60-65 દિવસ પણ ધારાસભ્યો ગાંધીનગરમાં રહેતા નથી. આથી, મોટાભાગના આવાસોનો ઉપયોગ તેમના અંગત માણસો કરે છે. જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓ કે સરકારમાં આઉટસોર્સિંગ કે પછી કાયમી નોકરી કરનારને ભાડે ચઢાવી દેવાય છે. જેની સામે વિધાનસભાની સદસ્ય આવાસની કમિટી પણ કોઈ જ કાર્યવાહી કરતી નથી !
CCTV કેમેરાનું નેટવર્ક અને વિજિલન્સ સિસ્ટમ અનિવાર્ય
હાલના સેક્ટર-21 સ્થિત સદસ્ય આવાસમાં ધારાસભ્યો કરતા સાવ અજાણ્યા માણસો, નંબર પ્લેટ વગરની અને બ્લેક ફિલ્મ લગાવેલી કારો જોવા મળે છે. સેક્ટર-17 ખાતેના નવા સદસ્ય આવાસમાં આવા તત્વોને નિયંત્રિત કરવા CCTV કેમરાનું નેટવર્ક અને મંત્રી નિવાસની જેમ વિજિલન્સ માટે નિયંત્રિત પ્રવેશ વ્યવસ્થા સર્જવા વિધાનસભાની સદસ્ય આવાસ કમિટી નિર્ણય લેશે તેમ જાણવા મળ્યું છે.