રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ મજબૂત બનાવવા અને પોલીસ તંત્રની કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. પોલીસ વિભાગમાં ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ વર્ગ-3 ની કૂલ 500 નવી જગ્યાઓની ભરતીને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના વિવિધ પોલીસ એકમોમાં વાહનોના યોગ્ય સંચાલન અને કટોકટીના સમયે તાત્કાલિક પહોંચી શકાય તે માટે આ નવી જગ્યાઓની મંજૂરી આપીને ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ, સુરત સહિતના મહાનગરોને મંજૂર કરાયેલી જગ્યાઓની ફાળવણી
આ મંજૂર કરાયેલી 500 નવી જગ્યાઓમાંથી રાજ્યના મોટા શહેરો અને વિવિધ જિલ્લા એકમોને જરૂરિયાત મુજબ ફાળવણી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેર પોલીસ માટે સૌથી વધુ 50 નવી જગ્યાઓ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત સુરત, વડોદરા અને રાજકોટ શહેર પોલીસ માટે 20-20 જગ્યાઓની ફાળવણી કરાઈ છે. જ્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ માટે 10 નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. બાકીની જગ્યાઓ રાજ્યના અન્ય જિલ્લા પોલીસ એકમો ખાતે જરૂરિયાત મુજબ વહેંચવામાં આવી છે.
