ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષા નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધા – ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર ઇચ્છુક ઉમેદવારોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અમદાવાદ – રવિશંકર રાવળ કલા ભવન ખાતે રૂબરૂ જમા કરાવવાનું રહેશે.

નવરાત્રિ રાસ-ગરબા 2025નું આયોજન
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અમદાવાદ દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધા : ૨૦૨૫- ૨૬ માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 28 જુલાઇ 2025 રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબા સ્પર્ધામાં 14 થી 35 વર્ષનાં બહેનો ભાગ લઈ શકશે. જ્યારે રાસની સ્પર્ધામાં ભાગ લેનાર બહેનો તથા ભાઈઓની વય મર્યાદા 14 થી 40 વર્ષ સુધીની રહેશે. પ્રાચીન, અર્વાચીન ગરબા તેમજ રાસની રજૂઆતનો સમય 06 થી 10 મિનિટનો રહેશે. પ્રાચીન, અર્વાચીન ગરબા તેમજ રાસમાં ભાગ લેનાર વ્યક્તિઓની એક વૃંદમાં 12 થી 16 સંખ્યા રાખી શકશે. સાથે ચાર વાદ્યકારો રાખી શકાશે.

ફોર્મ સાથે આધારકાર્ડની ઝેરોક્ષ સાથે લાવવી
આ સ્પર્ધામાં ભાગ લેનાર ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મ આધાર કાર્ડની નકલ સાથે 28 જુલાઇ 2025 સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અમદાવાદ, રવિશંકર રાવળ કલા ભવન ખાતે રૂબરૂ જમા કરાવવાનું રહેશે. સમયમર્યાદા પછી આવનાર ફોર્મ તથા અધૂરી વિગતવાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહીં. તેમજ વધુ માહિતી માટે કચેરી ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.
  • Follow us on: