રાજ્યમાં પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી બનાવટી અને બિન-સ્ટાન્ડર્ડ ડેરી પ્રોડક્ટ્સ પર લગામ કસવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) દ્વારા એક મહત્વપૂર્ણ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન અનુસાર રાજ્યમાં ડેરી એનાલોગ (વૈકલ્પિક અથવા સિન્થેટિક ડેરી પ્રોડક્ટ્સ) ઉપર તાત્કાલિક અસરથી કાયમી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને તમામ ફૂડ બિઝનેસ ઓપરેટર્સને આવી પ્રોડક્ટ્સનું વેચાણ તાત્કાલિક ધોરણે બંધ કરવા કડક આદેશ અપાયા છે.

Dairy Analog Ban Gujarat FDCA Notification

રાજ્યભરમાં FDCAની સઘન તપાસ

આ કાયદાકીય પ્રતિબંધ બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમો દ્વારા રાજ્યભરમાં સઘન દોડધામ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યભરમાં અત્યાર સુધીમાં કુલ 134 જેટલા વ્યાપારી એકમોની ચકાસણી કરવામાં આવી છે અને શંકાસ્પદ ડેરી પ્રોડક્ટ્સના કુલ 29 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેનો લેબોરેટરી રિપોર્ટ મંગાવીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Dairy Analog Ban Gujarat FDCA Notification

નિયમ ભંગ કરનારાઓ સામે દંડની જોગવાઈ

તંત્ર દ્વારા હાથ ધરેલી ઝુંબેશ દરમિયાન બજારમાંથી હાનિકારક અને બિન-સ્ટાન્ડર્ડ ડેરી જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે, જેમાં અંદાજે 1053 કિલોગ્રામ તેમજ અન્ય 2.82 લાખ રૂપિયાની કિંમતના શંકાસ્પદ તથા અખાદ્ય જથ્થાને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. FDCA દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ વેપારી કે ઓપરેટર આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે સંબંધિત FDCA એક્ટ હેઠળ ભારે દંડ અને કાયદેસરની કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : Surat પોલીસની મોટી કાર્યવાહી, ચોખાના પાપડની આડમાં કરોડોનો માદક પદાર્થ ઝડપાયો