રાજ્ય સરકારના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફારો માટે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ.હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરેલી છે. આ પંચ-GARCએ અત્યાર સુધીમાં રાજ્ય સરકારને ચાર ભલામણ અહેવાલો સોપ્યાં છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને GARC દ્વારા 12 જેટલી મુખ્ય ભલામણો સાથે તૈયાર કરવામાં આવેલો પાંચમો ભલામણ અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીને સોપવામાં આવેલા GARCના પાંચમાં અહેવાલમાં આ વિચારને સુસંગત વિઝન એક રાજ્ય એક પોર્ટલથી અપનાવવાની ભલામણો કરવામાં આવી છે.
તમામ સરકારી સેવાઓ એક જ ક્લિકમાં ઉપલબ્ધ
ગુડ ગવર્નન્સના મોડલ સ્ટેટની ખ્યાતિ પ્રાપ્ત ગુજરાતમાં દરેક નાગરિકને એક જ ડિજિટલ ઇન્ટરફેસથી તમામ સરકારી સેવાઓ એક જ ક્લિકમાં ઉપલબ્ધ કરાવીને ‘ગવર્નમેન્ટ એટ ધ ડોર સ્ટેપ ઓફ સીટીઝન’નો મંત્ર સાકાર કરવાની દિશામાં આ અહેવાલને મહત્વપૂર્ણ બનાવવાનો ઉદેશ્ય રાખવામાં આવ્યો છે.સિંગલ સાઈન ઓન સિસ્ટમ-SSO દ્વારા નાગરિકોને તમામ સેવાઓ એક જ યુઝર આઇ.ડી.ના માધ્યમથી મળે, એક જ વાર ભરવામાં આવેલી માહિતીને આધાર કે ડિજીલોકર સેવા સાથે જોડીને વિવિધ સેવાઓ માટેનો આપમેળે ઉપયોગ થાય તેવી વ્યવસ્થાઓ વિકસાવવાની પણ ભલામણ GARCના આ પાંચમાં અહેવાલમાં સૂચવવામાં આવી છે.
એકવાર માહિતી આપો વારંવાર લાભ મેળવો
આના પરિણામે લોકોને જુદી જુદી સરકારી સેવાઓ મેળવવા માટે વારંવાર માહિતી આપવામાંથી છુટકારો મળે અને એકવાર માહિતી આપો વારંવાર લાભ મેળવોનો ધ્યેય પાર પડે તેવી વ્યવસ્થાની પણ અહેવાલમાં ભલામણ થઈ છે. GARCના આ પાંચમાં ભલામણ અહેવાલની મુખ્ય બાબત ડિજિટલ ગુજરાત 2.0 પોર્ટલ વિકસાવવા માટેની છે. આના પરિણામે કાર્ય પ્રણાલી સંપૂર્ણ રીતે ડિજિટલ થશે અને સરકાર તથા નાગરિકો વચ્ચેનો સંવાદ સુગમ બનશે.અરજીઓની રાહ જોવાને બદલે નાગરિકોની જરૂરિયાતોનું પૂર્વાનુમાન કરી શકાય તથા સ્માર્ટ એલર્ટ સિસ્ટમ દ્વારા નાગરિકોને તેમની યોગ્યતા મુજબ સામાજિક કલ્યાણ યોજનાઓ અને લાઇફસાયકલ આધારિત માર્ગદર્શન આપીને સક્રિય, નાગરિક-કેન્દ્રિત સેવા વિતરણ અમલમાં લાવવામાં આવે તેવું આ અહેવાલમાં સૂચવવામાં આવેલુ છે.
એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ વર્કફ્લોની ભલામણ
આ અહેવાલમાં પંચે મુખ્ય નાગરિક સેવાઓ માટે ડિજિટલ વર્કફ્લોની ભલામણ કરેલી છે.ગ્રામીણ વિસ્તારોમાં Village Computer Entrepreneursની ભૂમિકા મજબૂત બનાવવામાં આવે અને શહેરી વિસ્તારોમાં ઝોન-વાઇઝ સેવા વિતરણ માટે Public-Private Partnershipના માધ્યમથી વધુ કાર્યક્ષમ અને ઝડપી સેવાઓ મળી રહે તે મુજબની ભલામણ પણ કરવામાં આવી છે.પંચે રાઇટ ટૂ સિટીઝન પબ્લિક સર્વિસ એક્ટ અંતર્ગત નાગરિક ચાર્ટરના નિયમિત ઓડિટ અને અપડેટ માટે માળખાકીય પ્રક્રિયા સુચવેલી છે. તે સાથે જ જનસેવા કેન્દ્રોમાં વધારાની સ્ટાફ પોઝિશનો, કર્મચારીઓ માટે તાલીમ અને નાગરિક સેવાના કલાકોમાં સ્પષ્ટતા જેવી તમામ ભલામણોથી લોકોને Ease of Governance મળે તેવું લક્ષ્ય GARCના પાંચમાં ભલામણ અહેવાલમાં સમાવિષ્ટ છે.
આ પહેલ ગુજરાતને ડિજિટલ સુશાસનના નવા યુગમાં લઈ જશે
પંચના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ કહ્યુ કે, આ અહેવાલ માત્ર ટેક્નોલોજી નહીં પરંતુ સુશાસનની એવી નવી સંસ્કૃતિ છે જેમાં વડાપ્રધાન મોદીએ આપેલા નાગરિક દેવો ભવના વિચાર સાથે નાગરિક સ્વયં કેન્દ્રસ્થાને રહેશે. આ પહેલ ગુજરાતને ડિજિટલ સુશાસનના નવા યુગમાં લઈ જશે તથા “સરકાર પહોંચશે નાગરિક સુધી, નાગરિક નહીં સરકાર સુધીના મંત્ર સાથે નાગરિક સેવામાં ક્રાંતિ તરફ ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં હરણફાળ ભરશે.GARCના પાંચમાં અહેવાલની આ ભલામણો GARCની વેબસાઇટ https://garcguj.in/resources ઉપર અપલોડ કરવામાં આવેલી છે.