ઘ-7 સર્કલથી લઈને પેથાપુર આસપાસના સમગ્ર વિસ્તારમાં થયેલા ઝૂંપડાના દબાણો ખસેડવા માટે આયોજન ચાલુ રહ્યું છે.
જેને લઈને પાટનગર યોજના વિભાગ દ્વારા કાચા-પાકા 800 જેટલા દબાણોને નોટિસ આપવામાં આવી છે. જેમાં દબાણકર્તાઓને સાત દિવસમાં પુરાવા રજૂ કરવા અથવા દબાણ ખસેડી લેવા તાકીદ કરાઈ છે. જોકે હવે આટલી મોટી માત્રામાં દબાણો ખસેડવા તંત્રને અનેક વિરોધ વચ્ચે પોલીસ બંદોબસ્તનો સહારો લેવો પડે તેવી સ્થિતિ છે. જો દબાણ હટાવવાની ઝૂંબેશ ઉપર ઠંડુ પાણી ફરી ન વળે તો આગામી કાર્યવાહી થશે.ઘ-7 સર્કલથી ચરેડી, ચરેડીથી સ્મશાન સુધીના વિસ્તાર થતા પેથાપુરના પાછળના વિસ્તારોમાં દબાણોનો રાફડો ફાટયો છે. જેને પગલે હવે પાટનગર યોજના વિભાગ અને કોર્પોરેશન દ્વારા પોતપોતાના વિસ્તારમાં દબાણો દૂર કરવા માટે મથામણ ચાલી રહી છે. જે અંતર્ગત પાટનગર વિભાગ દ્વારા આ વિસ્તારમાં આવેલા 800 જેટલા કાચા-પાકા મકાનોને નોટિસ ફટકારી છે. જેમાં જગ્યાના પુરાવા તથા અન્ય સાધનિક દસ્તવેજો સાત દિવસમાં કચેરીમાં રજૂ કરવામાં જણાવ્યું છે.










