ગાંધીનગરમાં ગઈકાલે રાત્રે તોફાની પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના ચારેય તાલુકામાં મેઘમહેર થઈ હતી.
જેમાં દહેગામ પંથકમાં એક ઈંચથી વધુ, ગાંધીનગરમાં એક ઈંચ વરસાદ જ્યારે કલોલ તથા માણસા પંથકમાં પોણા ઈંચ જેટલો વરસાદ પડયો હતો. જ્યારે ગાંધીનગર શહેરમાં સરેરાશ દોઢ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. જિલ્લામાં ગઈકાલે રાત્રે 19.75 એમએમ એટલે કે પોણા ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આજે દિવસ દરમિયાન દહેગામ પંથક સિવાય ક્યાય નોંધપાત્ર વરસાદ પડયો નથી. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં રાત્રે વરસાદ પડયો હતો. ગાંધીનગરમાં પણ ગઈકાલે રાત્રે 9 વાગ્યા બાદ ભારે પવન ફૂંકાયો હતો.










