પાટનગર ગાંધીનગરમાં સરકારી તંત્રની ઘોર બેદરકારી અને આંધળા વહીવટનો એક જીવંત પુરાવો સામે આવ્યો છે. અહીં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે બનાવવામાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના ના એક સામાન્ય લાભાર્થીને લાખો રૂપિયાનું લાઈટ બિલ આપી દેવામાં આવતા સમગ્ર વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઉભા થયા છે. વાવોલ વિસ્તારમાં આવેલા ગુડા આવાસમાં બનેલી આ ચોંકાવનારી ઘટના હાલ પાટનગરમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે.

4.97 લાખ નું વીજ બિલ ફટકારવામાં આવ્યું

મળતી માહિતી મુજબ, વાવોલ સ્થિત ગુડા આવાસના એક ફ્લેટમાં રહેતા મધ્યમવર્ગીય પરિવારને ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા 4.97 લાખ નું વીજ બિલ ફટકારવામાં આવ્યું છે. આ ફ્લેટમાં માત્ર પંખા અને ટ્યુબલાઈટ જેવા સામાન્ય ઉપકરણોનો જ વપરાશ થતો હોવા છતાં, કોઈ ફેક્ટરી કે કોમર્શિયલ બિલ્ડિંગ જેવું લાખોનું બિલ આવતા પરિવારના હોશ ઉડી ગયા છે.

નાગરિકોને માનસિક ત્રાસ

લાભાર્થી પરિવારે આક્ષેપ કર્યો છે કે, આ UGVCLની સીધેસીધી હેરાનગતિ છે અને તંત્ર પોતાની ભૂલ સુધારવાને બદલે સામાન્ય નાગરિકોને માનસિક ત્રાસ આપી રહ્યું છે.

લેખિતમાં રજૂઆત કરી

આ બિલ જોયા બાદ ગભરાયેલા લાભાર્થીએ તાત્કાલિક ધોરણે UGVCL ની કચેરી ખાતે દોડી જઈને લેખિતમાં રજૂઆત કરી છે અને બિલની પુનઃ ચકાસણી રવા માંગ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના મીટર રીડિંગની ભૂલ અથવા ટેકનિકલ ખામી હોવાનું લાગી રહ્યું છે, પરંતુ ડિજિટલ યુગમાં પણ તંત્ર દ્વારા આવી બેદરકારી દાખવીને સામાન્ય લોકોને ધક્કા ખવડાવવામાં આવતા સ્થાનિક રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે UGVCL પોતાની ભૂલ સ્વીકારીને આ બિલ ક્યારે સુધારી આપે છે. 


આ પણ વાંચો----     Gujarat Latest News Live : ગુજરાત ATSએ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આતંકીઓની ધરપકડ કરતા ખળભળાટ