ગાંધીનગર હવે ધીરેધીરે ખરા અર્થમાં વિકાસનું રોલ મોડેલ સિટી બનવા લાગ્યું છે. આજે વિકાસ સપ્તાહ અંતર્ગત ગાંધીનગર મહાપાલિકા દ્વારા આજે 5.34 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ગાંધીનગર સિટી ઈ-વ્હિકલ રેડિનેસ પોલિસી-2025 અને ક્લીન એર એક્શન પ્લાન પણ લોન્ચ કરવામાં આવ્યો હતો. ક્લીન એર એક્શન પ્લાન પ્રમાણે આગામી 2028 સુધીમાં ગાંધીનગરમાં PM10 ( (પાર્ટીક્યુલેટ મેટર)નું સ્તર 20 ટકા ઘટાડવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યુ છે. પાર્ટીકયુલેટ મેટર હવામાં ફેલાતા રજકરણો છે જે શ્વસન મારફત શરીરમાં પ્રવેશીને આરોગ્યને નુકશાન કરે છે. ઉલ્લેખનીય છેકે, એક્શન પ્લાનમાં જે છ ક્ષેત્રોના કુલ 24 કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે પૈકી બાંધકામ સાઇટો પરથી ઉડતી ધુળના રજકરણો અને ખુલ્લામાં બાળવામાં આવતા કચરાને કંટ્રોલમાં લેવા પર ભાર મુકવામાં આવ્યો છે. આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે 286 કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે.
કાર્યક્રમની શરૂઆતમાં મહાપાલિકાથી ટાઉનહોલ સુધી વોકેથોન યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. મ્યુનિ કમિશનર દ્વારા ગાંધીનગરના સર્વાંગી વિકાસની બ્લુપ્રિન્ટ રજુ કરવામાં આવી હતી. જેના આધારે શહેરમાં કેવા પ્રકારે ભવિષ્યમાં વિકાસ કરશે તે દર્શાવાનો પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે મેયર મીરાબેન પટેલે ગાંધીનગરને વૈશ્વિક સ્તરે વિકાસના નવા શિખરો સર કરાવવા માટે મહાપાલિકાની પ્રતિબધ્ધતા દર્શાવી હતી તથા વિકાસના પ્રોજેક્ટ્સથી ગાંધીનગરના નાગરિકોની જીવનશૈલીને વધૂ સારી બનાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આ પ્રસંગે જણાવ્યું કે, ગાંધીનગર હવે વિકાસનું રોલ મોડેલ સિટી બની ચૂક્યું છે. મહાપાલિકા જૂના અને નવા એમ બંને ગાંધીનગરના વિકાસ માટે સતત કાર્યશીલ છે. ગ્લાભાર્થીઓને પીએમજેવાય કાર્ડ, આભા કાર્ડ, પીએમ સ્વનિધિ યોજના હેઠળના ચેક અને એફોર્ડેબલ હાઉસીંગના ઘરની ચાવીઓનું વિતરણ કરાયું હતું.
વિવિધ સ્થળે સ્કલ્પચર મૂકાયા, વોલ પેઈન્ટિંગ કરાઈ
ગાંધીનગરને સ્વચ્છની સાથે સાથે તેને વધુ સુંદર અને પર્યાવરણલક્ષી બનાવવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેમાં સેક્ટર-1 તળાવ ગાર્ડન ખાતે વેસ્ટ ટુ બેસ્ટ કન્સેપ્ટ પર આધારિત એક આકર્ષક કલાકૃતિ મૂકવામાં આવી છે તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જે કચરા વ્યવસ્થાપનનો પણ સંદેશ આપે છે. આ ઉપરાંત પીડીપીયુ રોડ, બોરીજ, સેક્ટર-21 અને 19 ખાતે કલાકારો દ્વારા વોલ પેઈન્ટીંગ કરવામાં આવી છે. જેનાથી શહેરની ખાલી દેખાતી દિવાલો આકર્ષક બની છે.