રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કાબૂમાં રહે તથા શાંતિ જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગાંધીનગર જિલ્લામાં પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામા અનુસાર, આગામી 20 નવેમ્બર સુધી સમગ્ર જિલ્લામાં પ્રતિબંધાત્મક આદેશો અમલમાં રહેશે. તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી કોઈપણ અનીચ્છનીય બનાવને અટકાવવા માટે પોલીસ તંત્રને પૂરતી સત્તા આપવામાં આવી છે.

4 કે તેથી વધુ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ

જાહેરનામાની વિગતો મુજબ, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તાજેતરમાં યોજાનારી વિવિધ રેલીઓ, ધરણાં અને ઉપવાસ આંદોલનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત, જાહેર સ્થળો પર હથિયાર, તલવાર, લાકડી કે અન્ય વિસ્ફોટક પદાર્થો લઈને ફરવાની સખત મનાઈ છે. આ સાથે જ કોઈપણ પ્રકારના પૂતળા દહન કરવા અને ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

તંત્ર દ્વારા શાંતિ જાળવવા અપીલ

વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ કે સંગઠન આ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે, તો તેની સામે પોલીસ દ્વારા કાયદેસરની કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ગાંધીનગર જેવા સંવેદનશીલ અને મહત્વપૂર્ણ પાટનગરમાં સુરક્ષા વ્યવસ્થા અકબંધ રહે તે માટે નાગરિકોને પણ કાયદાનું પાલન કરવા અને શાંતિ જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Suratમાં મહિલા તબીબના રહસ્યમય મોતથી ચકચાર, લગ્નજીવનના વિવાદ વચ્ચે 25 વર્ષીય BHMS ડૉક્ટરનું કરુણ અવસાન