ગાંધીનગરમાં જેટકો (GETCO) ભરતી મુદ્દે ઉમેદવારોનો રોષ ફાટી નીકળ્યો છે. સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કરીને ભરતી પ્રક્રિયા સામે સવાલો ઉઠાવ્યા હતા. ઉમેદવારોના જણાવ્યા અનુસાર, 12,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત સામે માત્ર 800 જગ્યાઓની ભરતી થતી હોવાની સ્થિતિએ યુવાનોમાં નારાજગી વધારી છે. વર્ષોથી નોકરીની આશા રાખીને તૈયારી કરતા ઉમેદવારો હવે જવાબ માગી રહ્યા છે. ભરતીની જાહેરાતો અને વાસ્તવિક ભરતી વચ્ચેનો તફાવત દૂર કરવા માટે તંત્ર સ્પષ્ટતા કરે તેવી માગ ઉઠી છે.
વિદ્યુત સહાયકની ભરતી ક્યાં અટકી? ખાલી જગ્યાઓ ભરવાની માગ
ઉમેદવારોએ જેટકોમાં વિદ્યુત સહાયક અને UGVCLમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી ઝડપથી કરવાની માગ કરી છે. તેમના જણાવ્યા મુજબ, 1,500થી વધુ ખાલી જગ્યાઓ ભરવા માટે રજૂઆત કરવામાં આવી છે. એક તરફ વીજ કંપનીઓમાં નિયમિત ભરતીની માગ થઈ રહી છે, તો બીજી તરફ ઉમેદવારોને પૂરતી તક મળતી ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ઉમેદવારોનું કહેવું છે કે લાયકાત અને અનુભવ ધરાવતા યુવાનોને કાયમી રોજગારની તક મળવી જોઈએ. ભરતી પ્રક્રિયામાં વિલંબ અને મર્યાદિત જગ્યાઓને લઈને જવાબદાર તંત્રએ સ્પષ્ટ જવાબ આપવો જોઈએ.
