નવરાત્રી અને દશેરાના તહેવાર ગાંધીનગર આરટીઓ અને વાહન ડિલર્સને ફળ્યો છે. નવરાત્રિ અને દશેરા મળી કુલ 11 દિવસમાં જ જિલ્લામાં 185 કરોડથી વધુ કિંમતના 4,231 વાહનોનું વેચાણ થયું છે.


જેને પગલે ગાંધીનગર આરટીઓને ટેક્સની 11.10 કરોડની આવક થઈ છે. 11 દિવસમાં ગાંધીનગરમાં 2,963 ટુ વ્હીલર અને 1,268 ફોર વ્હીલરની નોંધણી થઈ છે. 22 સપ્ટેમ્બરે નવરાત્રિના પ્રારંભથી લઈને 2 ઓક્ટોબર દશેરા સુધી વાહનોની ધૂમ ખરીદી રહી હતી. જેમાં 21 કરોડથી વધુ કિંમતના 2,963 ટુ વ્હીલર તથા 163 કરોડથી વધુ કિંમતની 1,268 ફોર વ્હીલરનું વેચાણ થયું છે. નવરાત્રિના નવ દિવસમાં 2,373 ટુ વ્હીલર તથા 1,009 ફોર વ્હીલરની નોંધણી થઈ ગઈ હતી. નવા નિયમ પ્રમાણે હવે નંબર પ્લેટ લગાવ્યા બાદ જ વાહનની ડિલિવરી આપવાની રહે છે. જેને પગલે નવરાત્રી અને દશેરાના દિવસોમાં વાહન છોડાવવા માટે અગાઉથી જ લોકોએ તૈયારી કરી લીધી હતી. ગાંધીનગર જિલ્લામાં જાન્યુઆરીથી અત્યાર સુધી 51,326 વાહનોની નોંધણી થઈ છે, જેમાંથી ગાંધીનગર આરટીઓને 178 કરોડથી વધુની ટેક્સની આવક થઈ છે.


  • Follow us on: