રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત સચિવાલયના વિવિધ વિભાગોમાં આજે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સરકારી કચેરીઓમાં સમયપાલન અને કર્મચારીઓની નિયમિત હાજરી સુનિશ્ચિત કરવાના હેતુથી આ કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
સવારથી જ ચુસ્ત વિજિલન્સ
GAD ની ખાસ ટીમો દ્વારા સચિવાલયના બ્લોક નંબર 1 થી 14 ના તમામ મુખ્ય પ્રવેશદ્વારો પર સવારથી જ ચુસ્ત વિજિલન્સ ગોઠવી દેવામાં આવ્યું હતું.
મોડા પહોંચેલા કર્મચારીઓની યાદી તૈયાર
તપાસ દરમિયાન કચેરીએ આવતા તમામ કર્મચારીઓના ઓળખ કાર્ડ ગેટ પર જ ગંભીરતાપૂર્વક ચકાસવામાં આવ્યા હતા. નિયત સમય કરતાં મોડા પહોંચેલા કર્મચારીઓની યાદી તૈયાર કરી તેમની વિશિષ્ટ નોંધણી કરવામાં આવી હતી. આ સરપ્રાઈઝ ચેકિંગના કારણે મોડા આવવાની ટેવ ધરાવતા કર્મચારીઓમાં ભારે દોડધામ અને ફફડાટ વ્યાપી ગયો હતો.
વહીવટી તંત્રની કડકાઈના સ્પષ્ટ સંકેત
વહીવટમાં પારદર્શિતા અને શિસ્ત જાળવવા માટે રાજ્ય સરકાર અને GAD દ્વારા આ કડક આદેશો આપવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, મોડા પડેલા કર્મચારીઓ સામે આગામી દિવસોમાં કારણદર્શક નોટિસ અથવા ખાતાકીય પગલાં પણ લેવાઈ શકે છે, જે સચિવાલયના વહીવટી તંત્રની કડકાઈના સ્પષ્ટ સંકેત આપે છે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer : ઊંઝાના જીરા અને વરિયાળીને મળ્યો GI ટેગ, ગુજરાતના કેટલા ઉત્પાદનોને મળ્યો GI ટેગ? વાંચો રસપ્રદ માહિતી