સામાન્યતઃ સપ્ટેમ્બરમાં વિધાનસભાનું સત્ર મળ્યા બાદ ઈશુના નવા વર્ષમાં ફેબ્રુઆરીમાં નવા નાણાકીય વર્ષ માટે બજેટ સત્ર મળતુ હોય છે. પરંતુ, મંત્રીમંડળના વિસ્તરણ- ફેરફાર પછી હવે પહેલીવાર ગુજરાત સરકાર ગુજરાતી નૂતનવર્ષારંભે જ વિધાનસભાનું ખાસ સત્ર યોજવા માટે તૈયારીઓ કરી રહી છે. ટોચના અધિકારીઓના કહેવા મુજબ રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડ- UCCના મુસદ્દાને આખરી ઓપ આપી રહી છે. આગામી 50 દિવસમાં વિધાનસભામાં ખાસ સત્ર યોજીને આ મુસદ્દાને કાયદાકીય સ્વરૂપ આપશે. તેની સાથે જ દેશમાં UCC અમલ માટે ઉત્તરખંડ બાદ ગુજરાત બીજુ રાજ્ય બની રહેશે.


ગુજરાત સરકારે રાજ્યમાં UCCના અમલની શક્યતાઓ ચકાસવા માટે સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયધિશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની કમિટી રચી હતી. કમિટીએ રાજ્યમાં અન્ય કાયદાઓ દ્વારા વિશેષાધિકાર ધરાવતા ધર્મ અને વંશીય (આદિજાતી) સહિતના જુથોના આગેવાનો સાથે બેઠકો યોજી હતી. જેમાં કમિટીને 1.15 લાખ જેટલી રજૂઆતો મળી છે. આ રજૂઆતોને આધારે ગુજરાતમાં તમામ નાગરીકો માટે એક સમાન કાયદાનો અમલ કરાવવા અંગેની શક્યતા અંગે અહેવાલ તૈયાર કર્યો છે. ઓગસ્ટ મહિનામાં જસ્ટિસ રંજના દેસાઈ અને કમિટીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજીને પ્રેઝન્ટેશન કર્યુ હતુ ત્યારે જ આ કાયદા માટે વિધાનસભામાં રજૂ કરવાનો મુસદ્દો તૈયાર કરવા માટેનો નિર્દેશ કાયદા વિભાગને મળ્યો હતો. આથી, ગુજરાત સરકાર ફેબ્રુઆરી- 2026માં બજેટ રજૂ કરે તે પહેલા UCC એક્ટના મુસદ્દા- વિધેયકને વિધાનસભામાં રજૂ કરી, તેને મંજૂર કરાવવા માટે નવેમ્બર કે ડિસેમ્બરમાં ખાસ સત્ર બોલાવશે તેવી શક્યતા વ્યક્ત કરાય છે. ઉલ્લેખનિય છે કે, એક કે બે દિવસના આ સત્રમાં UCC ઉપરાંત સરકાર દ્વારા જમીન, શ્રમિકો, ઉદ્યોગોને સ્પર્શતા કાયદામાં સુધારાઓ સુચવતા અન્ય વિધેયકો પણ રજૂ કરી શકે તેમ છે.

સર્વ સમાનઃ UCCના અમલથી આ પ્રકારના પરિવર્તન આવશે

હાલમાં હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી એમ ધર્મના આધારે પર્સનલ કાયદાઓ છે. જેમાં રહેલા વિશેષાધિકારો UCCના અમલથી નિરસ્ત થઈ શકે છે. આ વિશેષાધિકારો લગ્ન અને છૂટાછેડા, દત્તક વિધાન, વારસો અને સંપત્તિની વહેંચણીને સંબંધિત છે. ભારતીય બંધારણના આર્ટિકલ 44માં ''રાજ્યએ ભારતના સમગ્ર ક્ષેત્રના નાગરિકો માટે એક સરખો નાગરીક કોડ લાવવા પ્રયત્ન કરવો જોઈએ'' એવુ નિર્દેશક તત્વ અર્થાત કામ કરવા પહેલ માટે સલાહ આપી છે. આ દિશામાં ઉત્તરાખંડ પછી ગુજરાત સરકાર પહેલ કરી રહી છે. જેની પાછળ આઝાદીના સાત દાયકા બાદ ધર્મને બદલે રાજ્યના સર્વે નાગરિકોને એક સમાન અધિકારથી સમાનતાની તકો ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ્ય હોવાનો દાવો થઈ રહ્યો છે.

તર્કઃ કાયદાના સમર્થન અને વિરોધના મુખ્ય મુદ્દા

સમર્થન :

સમાનતાઃ દરેક નાગરીકો માટે એક સરખો કાયદો

લિંગ સમાનતાઃ મહિલા- પુરૂષ વચ્ચે ન્યાય મળશે.

રાષ્ટ્રીય એકતાઃ ધર્મ આધારિત ભેદભાવ દૂર થશે.

કાયદાકીયઃ એક જ કાયદો હોવાથી ન્યાય સંતુલન.

વિરોધમા :

સ્વતંત્રતાઃ ધાર્મિક કાયદા ઉપર અંકુશ આવી જશે.

સંસ્કૃતિઃ વંશીય જુથોની વિશિષ્ટ પરંપરા ખોવાશે.

વિવાદઃ કેટલા જુથો UCCને રાજકીય મુદ્દે ગણે છે

ઓળખઃ પર્સનલ લો નિરસ્ત થશે તો ઓળખ જશે.


  • Follow us on: