ગાંધીનગરમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે ગુજરાતમાં ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.આ અભિયાનની તૈયારીઓની સમીક્ષા માટે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ, જેમાં આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા.આ અભિયાન 17 સપ્ટેમ્બર, 2025થી શરૂ થશે અને 2 ઓક્ટોબર, 2025 (ગાંધી જયંતી) સુધી ચાલશે. આ દરમિયાન રાજ્યભરમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.


ગુજરાતમાં 7700થી વધુ જગ્યાએ મેડિકલ કેમ્પ યોજાશે

ગુજરાતમા અભિયાનના ભાગરૂપે 7,700થી વધુ સ્થળોએ કેમ્પનું આયોજ કરવામાં આવશે.મહિલાઓની સહભાગિતાઆ અભિયાનમાં 10,000થી વધુ મહિલાઓ જોડાશે, જેમાં ખાસ કરીને બહેનો માટે વિશેષ મેડિકલ સ્ક્રીનિંગ કેમ્પ્સનું આયોજન કરવામાં આવશે. આ કેમ્પમાં માતૃસ્વાસ્થ્ય, બાળ રસીકરણ, પોષણ જાગૃતિ અને પ્રિવેન્ટિવ સ્ક્રીનિંગ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવશે.આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને સુધારવા, આરોગ્ય સેવાઓની પહોંચ વધારવી, ગુણવત્તાયુક્ત સારવાર અને પોષણ અંગે જાગૃતિ લાવવાનો છે. આ રાજ્ય અને કેન્દ્ર સરકારના ‘વિકસિત ભારત’ના વિઝનને અનુરૂપ છે.

મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને લઈ  મહત્વનું પગલું 

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બેઠકમાં જણાવ્યું કે,“આ અભિયાન ગુજરાતની મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આ અભિયાન રાજ્યભરમાં વ્યાપક સ્તરે ઉજવણીનું રૂપ લેશે.” તેમણે ખાનગી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓને પણ આ જન ભાગીદારી અભિયાનમાં જોડાવા અપીલ કરી.આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું કે,ગુજરાતમાં આયુષ્માન ભારત અને રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) હેઠળ ચાલતી યોજનાઓને આ અભિયાન દ્વારા વધુ મજબૂતી મળશે. અમે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરીશું.

રાજ્યની તૈયારીઓ

અભિયાન દરમિયાન આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ માહનું પણ પૂર્ણ રીતે પાલન કરવામાં આવશે.આમાં શિશુ અને નાના બાળકોના ખોરાક, પોષણ શિક્ષણ અને વેલનેસ પર ધ્યાન આપવામાં આવશે.જેમાં આ અભિયાનની અસરકારકતા અને પહોંચનું મૂલ્યાંકન કરવા માટે નિયમિત ફોલો-અપ અને મોનિટરિંગ કરવામાં આવશે,જેથી રાજ્યના દરેક ખૂણે આરોગ્ય સેવાઓ પહોંચે.

બહેનો માટે ખાસ મેડિકલ સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે ભાજપ દ્વારા ‘સેવા પખવાડા’નું આયોજન કરવામાં આવે છે, જેમાં આરોગ્ય, સ્વચ્છતા અને સામાજિક સેવાને લગતી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે, 75,000 આરોગ્ય કેમ્પ્સનું આયોજન રાષ્ટ્રવ્યાપી થવાનું છે, જેમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર રહેશે.જેમાં ‘સ્વસ્થ નારી,સશક્ત પરિવાર’અભિયાન ગુજરાતની મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને નવી દિશા આપશે. આ અભિયાન દ્વારા રાજ્ય સરકાર આયુષ્માન ભારત અને રાષ્ટ્રીય આરોગ્ય મિશનના લક્ષ્યોને વધુ મજબૂત કરશે, જેનાથી ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્વાસ્થ્ય સેવાઓની સમાન પહોંચ સુનિશ્ચિત થશે.
  • Follow us on: