ગંભીરા બ્રિજ દુર્ઘટના અને રાજ્યમાં છાશવારે વકરતી ટ્રાફિકની સમસ્યા સામે ગ્રામિણક્ષેત્રોમાં નાગરીકો અને તેમાંય વિશેષતઃ યુવાને સાંકળીને રોડ સેફ્ટી, ટ્રાફિક મુદ્દે સંવેદના ઉભી કરવા ગુજરાત સરકારે આદેશ કર્યો છે. જેના માટે 15 ઓગસ્ટને શુક્રવારે રાજ્યના તમામ ગામોમાં ગ્રામસભા યોજવા વિકાસ કમિશનરે તમામ કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારી- DDOને આદેશ કર્યો છે.
વિકાસ કમિશનર હિતેશ કોયાની સહીથી થયેલા આદેશમાં 15મી ઓગસ્ટના દિવસે પ્રત્યેક ગામમાં યોજનારી ગ્રામસભામાં PM સૂર્યઘર, PM કુસુમ, PM જનમન, બાયોગેસ સહિતની તમામ યોજનાઓનો પ્રસાર કરવા અને પંચાયત ભવનોમાં નાગરિકોની મદદ થઈ શકે તે માટે નવીનીકરણ ઊર્જા એજન્સી સાથે સંકલન કરીને હેલ્પ ડેસ્ક સ્થાપિત કરવા કહેવાયુ છે. એટલુ જ નહી, આ ગ્રામસભામાં સોલાર રૂફટોપ અને સોલાર પંપ યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરાવવા, તેની પાત્રતા અને દસ્તાવેજીકરણ માટે નાગરિકોને પ્રક્રિયા સમજાવવા તેમજ આવી સિસ્ટમ માટે છ ટકા વ્યાજના દરે સહાયની સુલભતા માટે સ્થાનિક બેંકો સાથે સંકલન કરવાનુ પણ કહેવાયુ છે. જેમાં સૌર ઉર્જા માટે પંચાયત ભવન, આંગણવાડી, શાળાઓ, આરોગ્ય ઉપ- કેન્દ્રો અને સ્ટ્રીટલાઈટ જેવા સામુદાયિક માળખાગત સુવિધાઓની ઓળખ કરવાની બાબતનો સમાવેશ થાય છે. આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ દુઘર્ટના અને રાજ્યના ગ્રામીણક્ષેત્રોના માર્ગો પરથી ભારે વાહનોના પરિવહન, ટ્રાફિક જેવા પ્રશ્નો વધી રહ્યા છે. જેના પગલે શુક્રવારની ગ્રામસભામાં સેફ્ટિ કમિશનર, ગુજરાત રોડ સેફ્ટિ ઓથોરીટીની સુચના મુજબ ટ્રાફિકના નિયમો અંગે પણ જાણકારી આપવા અને વિશેષતઃ યુવાનોને જાગૃત કરવા ખાસ અભિયાન ચાલવવા કહેવાયુ છે.










