શક્તિ વાવાઝોડાની અસરને પગલે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં વાવાઝોડું નબળું પડતાં ગુજરાત પરથી ખતરો ટળ્યો હોવાનું કહેવાય છે.
જોકે વાવાઝોડું ડીપ ડીપ્રેશનમાં ફેરવાતા રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. જેની અસરથી ગાંધીનગરમાં ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ પડયો હતો. પાંચ ઓક્ટોબર સવારે છ વાગ્યાથી 6 ઓક્ટોબર સવારે છ વાગ્યા સુધીમાં રાજ્યના 33 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં દહેગામ તાલુકામાં સૌથી વધુ 45 મીમી વરસાદ પડયો હતો. આ વરસાદ રાત્રે 2થી 4 વચ્ચે જ ખાબક્યો હતો. શક્તિ વાવાઝોડાની અસરથી ગાંધીનગરમાં ગઈકાલે રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ગાંધીનગર શહેર સહિત તાલુકામાં રાત્રે 12 વાગ્યા બાદ વરસાદ શરૂ થયો હતો. જેમાં સવારે 4 વાગ્યા સુધીમાં 17 મીમી એટલે પોણા ઈંચ જેટલો વરસાદ પડયો હતો. દહેગામ તાલુકામાં રાજ્યમાં સૌથી વધુ 45 મીમી એટલે પોણા બે ઈંચથી વધુ વરસાદ પડી ગયો હતો. જ્યારે કલોલ અને માણસા પંથકમાં નોંધપાત્ર વરસાદ પડયો ન હતો. રાત્રે પડેલાં વરસાદ સાથે જિલ્લામાં વરસાદની ટકાવારી 96.52 ટકા પહોંચી છે. જેમાં સૌથી વધુ 147 ટકા વરસાદ દહેગામ પંથકમાં પડી ગયો છે.










