શહેરમાં 24 કલાક પાણીના પ્રોજેક્ટ માટે સરીતા હેડવર્કસ ખાતે સંપના આંતરિક જોડાણની કામગીરી કરાઈ હતી. જેને લઈને આજે 1થી 13 સેક્ટરમાં પાણી કાપ રહ્યો હતો.
આગોતરી જાહેરાતને પગલે મોટાભાગના લોકોએ વધારાનું પાણી ભરી રાખ્યું હતું. આમ છતાં ઘણા સ્થળે પાણી ખૂટી પડતાં કોર્પોરેશનના ટેન્કરોથી મોડી રાત સુધી 70થી વધુ ફેરા મારવામાં આવ્યા હતા. શહેરના નવા વિસ્તારમાં 24 કલાક પાણીનો ટ્રાયલરન ચાલુ કરવાના આયોજન લઈને સરિતા હેડવર્કસ ખાતે સંપના આંતરિક જોડાણનું કામ કરવામાં આવ્યું હતુ. કામગીરીને લઈને 1થી 13 સેક્ટરમાં આજે પાણીનો સપ્લાય બંધ રખાયો હતો. જેમાં હવે આવતીકાલ રાત્રી પહેલાં પાણીનો પુરવઠો ચાલુ કરી દેવાનું આયોજન છે. એટલે આવતીકાલે શુક્રવાર સવારે પણ પાણીનો સપ્લાય મળે નહીં તેવી સ્થિતિને પગલે બૂમો પડે તેમ છે.










