ગાંધીનગર જિલ્લામાં ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજનાના હાલમાં 49 હજારથી વધુ લાભાર્થી છે.
આ તમામ લાભાર્થીઓએ હવે પેન્શનરોની જેમ પોતાની હયાતીની ખરાઈ જે તે લગત મામલતદાર કચેરી ખાતે ફરજિયાત કરાવવી પડશે. એટલું જ નહિ પુનઃલગ્ન ન કર્યા અંગેના દાખલાનું વેરિફિકેશન પણ કરાવવું પડશે. સરકારના ઠરાવ મુજબ દર જુલાઈ મહિનામાં આ પ્રોસેસ કરાવવા લાભાર્થીઓને જણાવવામાં આવ્યું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) અમલમા છે. જેમાં લાભાર્થીને દર મહિને રૂ. 1250ની સહાય ડીબીટીના માધ્યમથી સીધી બચત ખાતામાં ચૂકવણી કરવામાં આવે છે. આ સહાય નિયમિત ચાલુ રહે અને કોઈ મુશ્કેલી ઉભી ના થાય તે માટે વિધવા મહિલા લાભાર્થીઓને હયાતીની ખરાઈ જે તે મામલતદાર કચેરીમાં આપવા જવું પડશે. આ ઉપરાંત 18 થી 50 વર્ષની વયના લાભાર્થીઓએ પુનઃલગ્ન ન કર્યા અંગેનો તલાટીનો દાખલો પણ મામલતદાર કચેરી ખાતે રજુ કરવાનો રહેશે. સરકાર દ્વારા આ ઠરાવ કરાયો છે. જો લાભાર્થી મહિલાનું અવસાન થઈ ગયું તો પરિવારજનોએ ગ્રામપંચાયત, નગરપાલિકામાં મરણ નોંધણી કરાવવી અનિવાર્ય છે.










