વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં ભગવાન બિરસામુંડાની 150મી જન્મજયંતિ નિમિતે ધરતી આબા જનભાગીદારી અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તા. 30 જૂનથી 15 જુલાઈ-2025 સુધી ધરતી આબા જન ભાગીદારી અભિયાન યોજાયું હતું. અભિયાન અંતર્ગત 22,226ને આધાર કાર્ડ, 20,941 નાગરિકોના સિકલસેલ ટેસ્ટ, 22,287ને આયુષ્યમાન ભારત કાર્ડ, પીએમ કિસાન સન્માનનિધિ યોજના હેઠળ 13,962 ખેડૂતોને લાભ, 11,313 નાગરિકોને રેશનકાર્ડ વિતરણ કરાયા.


ધરતી આબા જન ભાગીદારી અભિયાન

આ અભિયાન હેઠળ વિવિધ જિલ્લામાં યોજાયેલા કુલ 767 જેટલા યોજનાલક્ષી કેમ્પનું આયોજન કરીને માત્ર 15 દિવસમાં 21 જિલ્લાના 1.10 લાખથી વધુ આદિજાતિ લાભાર્થીઓને વિવિધ 22 યોજનાલક્ષી સેવાઓનો ઘરઆંગણે લાભ અપાયો છે. આમાં 05 લાખથી વધુ આદિજાતિ ભાઈ-બહેનો સહભાગી થયા હતા. આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે ધરતી આબા જન ભાગીદારી અભિયાનની ગુજરાતમાં જ્વલંત સફળતા અંગે ગાંધીનગર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વિવિધ જિલ્લાના લોકોએ લીધો લાભ

આ અભિયાન હેઠળ યોજાયેલા 767 જેટલા કેમ્પ સ્થળોએ 521 જેટલા આદિજાતિ પરંપરાગત વોલ પેઇન્ટિંગ, 2,459 જેટલા વિવિધ પોસ્ટર, તેમજ 3,444 સેલ્ફી પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા હતા.ધરતી આબા જન ભાગીદારી અભિયાન હેઠળ અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, દાહોદ, જૂનાગઢ, કચ્છ, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડ એમ રાજ્યના કુલ ૨૧ જિલ્લાને સમાવી લેવામાં આવ્યા હતા જેમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. 

  • Follow us on: