ભારતની પ્રથમ ઈન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (આઈએફએસસી) અને રાષ્ટ્રીય મહત્વ ધરાવતા પ્રોજેક્ટ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)એ આઈએફએસસી શિક્ષણ, ફિનટેક ઇનોવેશન અને સંશોધનના ક્ષેત્રોમાં ઉદ્યોગ-શિક્ષણજગતની ભાગીદારી મજબૂત કરવા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સાથે સમજૂતીપત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.


ગિફ્ટ સિટીમાં પોતાનો બેઝ ઊભો કરવા ટેક કંપનીઓ તત્પર

આ ભાગીદારીના ભાગરૂપે બંને સંસ્થાઓ સંયુક્તપણે સ્પેશિયલાઇઝ્ડ કોર્સીસ, ટ્રેનિંગ પ્રોગ્રામ્સ, સર્ટિફિકેશન મોડ્યુલ્સ અને ગિફ્ટ આઈએફએસસી તેમજ ફાઇનાન્શિયલ ટેક્નોલોજીમાં ઉભરતા ટ્રેન્ડ્સમાં તકો પર કેન્દ્રિત સમર્પિત સેન્ટર ઓફ એક્સીલન્સ વિકસાવશે. ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઈઓ સંજય કૌલે જણાવ્યું હતું કે ગિફ્ટ સિટીમાં પોતાનો બેઝ ઊભો કરવા માટે અગ્રણી ફાઇનાન્શિયલ અને ટેક કંપનીઓએ મોટાપાયે રસ દર્શાવ્યો છે. જીટીયુ સાથેનો આ સહયોગ ગ્લોબલ ફાઈનાન્શિયલ અને ટેક ઈકોસિસ્ટમમાં ભારતની સ્થિતિ મજબૂત બનાવવા અને વિકાસ માટે અર્થપૂર્ણ યોગદાન આપી શકે તેવી ફ્યુચર-રેડી પ્રતિભાઓ વિકસાવવામાં મદદ કરશે.

શિક્ષણ, સંશોધન અને ઉદ્યોગ જોડાણોને સંકલિત કરશે

જીટીયુના વાઇસ ચાન્સેલર ડો. રાજુલ કે. ગજ્જરે ઉમેર્યું હતું કે જીટીયુની શૈક્ષણિક નિપુણતાને ગિફ્ટ સિટીના ઉદ્યોગ નેતૃત્વ સાથે જોડતા અમારો ઉદ્દેશ્ય વૈશ્વિક નાણાંકીય બજારો અને ટેક્નોલોજીમાં વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકોને અદ્વિતીય એક્સપોઝર પૂરું પાડવાનો છે. એમઓયુ પર હસ્તાક્ષર કરવાના કાર્યક્રમમાં બંને સંસ્થાનોના વરિષ્ઠ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ એમઓયુ બહુવિધ જોડાણનો પ્રારંભ છે જે શિક્ષણ, સંશોધન અને ઉદ્યોગ જોડાણોને સંકલિત કરશે. આ ભાગીદારી કુશળ પ્રતિભાઓના નિર્માણ કરવા, નવીનતા લાવવા અને ગુજરાતની ઉભરતા ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ તરીકેની સ્થિતિને વધુ મજબૂત બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે તેવી સંભાવના છે.

  • Follow us on: