ગાંધીનગર ગિફ્ટ સિટીમાં વાઈન એન્ડ ડાઈન ફેસિલિટી એરિયા બનાવાયો છે.જેમાં છેલ્લા બે વર્ષમાં 60.354.47 લીટર વિદેશી દારૂ વેચાયો છે.ઓગસ્ટ 2024થી સપ્ટેમ્બર 2025 સુધીમાં 3716.28 લીટર વિદેશી દારૂ જ્યારે ઓગસ્ટ 2025થી સપ્ટેમ્બર 2026 સુધીમાં 56,638.16 લીટર વિદેશી દારૂનું વેચાણ થયું છે.એક રીતે ગાંધીનગર ખાતેની ગિફ્ટ સિટીમાં એક જ વર્ષમાં વિદેશી દારૂના વેચાણમાં 14 ગણો માતબર વધારો નોંધાયો છે.

દારૂના વેચાણમાં 1424 ટકાનો જંગી ઉછાળો

ગુજરાત વિધાનસભા ગૃહમાં એક લેખિત સવાલના જવાબમાં રાજ્યના ગૃહ વિભાગે જણાવ્યું હતું કે,31મી જુલાઈ 2026ની સ્થિતિએ બે વર્ષમાં 60,354.47 લીટર વિદેશી દારૂના વેચાણ પેટે રાજ્ય સરકારને 87.36 લાખની આવક થઈ છે.તા.1-08-2024થી તા.31-07-2025માં 3716.28 લીટર અને તા.01-08-2025થી તા.31-07-2026 સુધીમાં 56638.16 લીટર વિદેશી દારૂનું વેચાણ થયું છે.આમ દારૂના વેચાણમાં 1424 ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે. 

હોટેલોને દારૂ વેચવા માટેના પરવાના અપાયા છે

ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે,જોકે લીકર પરમિટ ધારકો, દેશ વિદેશના પ્રવાસીઓ, કોર્પોરેટ ડેલિગેટની સુવિધા માટે દારૂ પીવાની છૂટ આપવામાં આવે છે.એક અંદાજ પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની 32 જેટલી હોટેલોને દારૂ વેચવા માટેના પરવાના અપાયા છે, દારૂના વેચાણથી એકલા અમદાવાદ અને ગાંધીનગરમાંથી જ સરકારે બે વર્ષના સમય ગાળામાં રૂ.116 કરોડથી વધારેની આવક થઈ હોવાનું તાજેતરમાં જ સામે આવ્યું હતું. મહત્ત્વનું છે કે, ગિફ્ટ સિટી વિસ્તારમાં સરકારે નિયમો હળવા કર્યા છે, વાઈન એન્ડ ડાઈન પોલીસિંગ અંતર્ગત અધિકૃત હોટેલ અને ક્લબમાં ઓળખ પત્ર બતાવીને દારૂનું સેવન કરાય છે.

ગિફ્ટ સિટીમાં દારૂના ટેક્સમાં મોટી રાહત 

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં પ્રવાસનના નામે લિકર પોલીસી જાહેર કરવામાં આવી છે.વાઈન એન્ડ ડાઈન પોલીસી હેઠળ સરકારી અધિકારીઓ અને બહારથી આવતા મહેમાનો માટે દારુ પીવાની છૂટ આપવામાં આવી છે.ગિફ્ટ સિટીમાં વૈશ્વિક રોકાણકારો, સીઈઓ અને વિદેશી પ્રતિનિધિઓની અવરજવર સતત રહે છે,જેમને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ આપવા માટે અગાઉ સરકારે દારૂબંધીના નિયમોમાં શરતી છૂટછાટ આપી હતી.હવે ટેક્સના માળખામાં મોટી રાહત આપવામાં આવી છે.નાણાં વિભાગ દ્વારા ગુજરાત વેટ એક્ટ 2003માં સુધારો કરીને નવી એન્ટ્રી નંબર 120 ઉમેરવામાં આવી છે.આ નવી જોગવાઈ હેઠળ,વેરાની રકમ 25 પૈસા કરતાં વધુ થાય ત્યાં સુધી સંપૂર્ણ મુક્તિ આપવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે.આ નિયમો માત્રને માત્ર ગિફ્ટ સિટીની અધિકૃત 'વાઇન એન્ડ ડાઇન' ફેસિલિટી ધરાવતી હોટેલ્સ,ક્લબ અને રેસ્ટોરાં માટે જ લાગુ પડશે.નવા જાહેરનામા અનુસાર ગિફ્ટ સિટીમાં વાઈન એન્ડ ડાઈન ફેસિલિટી અંતર્ગત જે વિદેશી દારૂ પીરસવામાં આવશે તેના પર હવે વેટ લાગશે નહીં.

આ પણ વાંચોઃ Sandesh digital explainer: ગુજરાતની સરહદો સીલ હોવાના દાવા, જાણો કયા છે બોર્ડરથી બજાર સુધી દારૂના સ્મગલિંગના ચાર મુખ્ય કોરિડોર