ગાંધીનગર અને ગિફ્ટ સિટી (GIFT City) વચ્ચે ચાલતી મેટ્રો ટ્રેન સેવાઓ ખોરવાઈ જવાની ઘટનામાં વહીવટી તંત્ર દ્વારા મોટું અને આકરું પગલું ભરવામાં આવ્યું છે. વહેલી સવારે નિયમિત સેવા શરૂ થાય તે પૂર્વે ટ્રાયલ માટે દોડાવવામાં આવતી પાયલોટ ટ્રેન અચાનક ટ્રેક પરથી નીચે ઊતરી ગઈ હતી. સદ્દભાગ્યે પાયલોટ ટ્રેનમાં કોઈ મુસાફરો ન હોવાથી મોટી હોનારત ટળી હતી, પરંતુ આ ઘટનાને પગલે ગિફ્ટ સિટી રૂટ પર મેટ્રો સેવાઓ તાત્કાલિક અસરથી બંધ કરવાની નોબત આવી હતી.

તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી 2 જવાબદારો સસ્પેન્ડ

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જવાબદારી નક્કી કરવા માટે ત્વરિત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસના આધારે બે મુખ્ય કર્મચારીઓ - ટ્રેન ઓપરેટર અને ટ્રેન કન્ટ્રોલર ને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી નોકરીમાંથી સસ્પેન્ડ (મૌફૂક) કરી દેવામાં આવ્યા છે.

3 સભ્યોની વિશેષ તપાસ કમિટીની રચના

આ ઘટના પાછળ ટેકનિકલ ખામી જવાબદાર હતી કે માનવસહજ ભૂલ (હ્યુમન એરર) તે સહિતના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે મેટ્રો તંત્ર દ્વારા 3 ઉચ્ચ સ્તરીય સભ્યોની વિશેષ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ તપાસ સમિતિ સમગ્ર ઘટનાનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરી વહીવટી તંત્રને સોંપશે, ત્યારબાદ ટ્રેકનું મરામત કામ પૂર્ણ કરી ગિફ્ટ સિટી રૂટ પર મેટ્રો ટ્રેન વ્યવહાર પુનઃ પૂર્વવત શરૂ કરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો