ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા બાદ પક્ષપલટો કે ખરીદ-વેચાણ ન થાય તે માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની નાકેબંધી શરૂ કરી દીધી છે. ગાંધીનગર સ્થિત MLA હાઉસ ખાતેથી કોંગ્રેસના ઉમેદવારોને એક 'અર્બનિયા' વાનમાં બેસાડીને ગુજરાત બહાર અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન સંદેશ ન્યૂઝના કેમેરા નજરે પડતાં જ ઉમેદવારોને લઈને વાહન ચાલકે તરત જ ગાડી રવાના કરી દીધી હતી.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો
https://twitter.com/sandeshnews/status/2103819894311854537
કોંગ્રેસે પોતાના ઉમેદવારોને તોડજોડથી બચાવવા મોરચો માંડ્યો
ગાંધીનગરના આ સિયાસી ઘટનાક્રમ અંગે પ્રતિક્રિયા આપતાં પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નૌશાદ સોલંકી ઉમેદવારોના બચાવમાં આવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે વિરોધી પક્ષો દ્વારા ઉમેદવારોને તોડવાના કે ફોર્મ પાછા ખેંચાવવાના પ્રયાસો થઈ શકે છે, જેના ભાગરૂપે ઉમેદવારોની સુરક્ષા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે ગાડીમાં જઈ રહેલા લોકોમાં તમામ ઉમેદવારો જ નથી પરંતુ કાર્યકર્તાઓ પણ છે અને આ વખતે ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવશે.
ગાંધીનગર મનપામાં કોંગ્રેસનું જ શાસન આવશે
નૌશાદ સોલંકીએ ચૂંટણી પ્રક્રિયા સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, "ચૂંટણી કમિશનરે જે ઘટસ્ફોટ કર્યો છે તેનાથી લોકો અચંબિત થઈ ગયા છે. સામી પાર્ટી કેટલી હદે નીચે જઈ શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભૂતકાળમાં મતોની ચોરી કરીને અને સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવીને ગાંધીનગર મનપાનું શાસન તોડવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે જનતા કોંગ્રેસની સાથે છે અને વિરોધીઓની નીતિ સફળ થશે નહીં.
આ પણ વાંચો: Narmada: એકતરફ સરકાર પારણા કરાવે છે અને બીજી તરફ મંત્રી આદિવાસીઓને ઉપાડવાના આદેશ આપે છે-મનસુખ વસાવા