ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી ગામે આવેલી એક લોખંડ ઓગાળવાની ફેક્ટરીમાંથી લાખો રૂપિયાના માલસામાનની ચોરી થતાં ચકચાર મચી ગઈ છે. ફેક્ટરીના માલિકે દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
લોખંડ ઓગાળવાની ફેક્ટરીમાંથી ચોરી
પ્રાપ્ત માહિતી અનુસાર, હરસોલી ગામે આવેલી કેસ્ટલ કોર્પોરેશન નામની લોખંડ ઓગાળવાની કંપનીના કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલો કિંમતી માલસામાન ચોરી થયો છે. ચોરી થયેલા માલસામાનમાં પેનલો, મોલ્ડ બોક્સ, ઈલેક્ટ્રીક મોટર પંપ, એક ટન જેટલો લોખંડનો સ્ક્રેપ તેમજ પાણીના વાલ્વની બોડી સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે. તસ્કરો દ્વારા આ તમામ વસ્તુઓની ચોરી કરવામાં આવી છે, જેની કુલ કિંમત આશરે ₹19.40 લાખ થવા જાય છે. આ મોટી ચોરીની ઘટનાથી ફેક્ટરીના માલિકને ભારે નુકસાન થયું છે.










