ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)માં વધુ એક મહત્ત્વની નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ડૉ. જ્યોતિ અય્યરની GPSCના નવા સભ્ય તરીકે વર્ણી કરવામાં આવી છે. આ અગાઉ ગઈકાલે જ સરકારે એકસાથે 7 નવા સભ્યોની નિમણૂક કરી હતી. આ નવી નિયુક્તિઓ સાથે હવે આયોગમાં ચાલુ સભ્યોની કુલ સંખ્યા ૯ પર પહોંચી ગઈ છે, જેનાથી આયોગની કામગીરીમાં વધુ વેગ આવશે.

નવા નિમાયેલા સભ્યોની યાદી 

આયોગમાં તાજેતરમાં નિમાયેલા સભ્યોમાં કિશોર બચાણી, ડૉ. શિશિર ત્રિવેદી, દીપક રાઠોડ, કે. સી. સંપત, મયુર મહેતા, કે. એસ. વસાવા, એચ. જે. પ્રજાપતિ તેમજ ડૉ. જ્યોતિ અય્યરનો સમાવેશ થાય છે. અગાઉથી કાર્યરત આશાબેન શાહ અને આ નવા સભ્યો મળીને કુલ 9 સભ્યો આયોગનો કાર્યભાળ સંભાળશે. તમામ ક્ષેત્રોના અનુભવી સભ્યોનો સમાવેશ થવાથી વિવિધ ભરતી પ્રક્રિયાઓ અને ઇન્ટરવ્યુની કામગીરી ઝડપી બનશે.

10 સભ્યોનું માળખું થયું પૂર્ણ 

GPSCના હાલના ચેરમેન હસમુખ પટેલના નેતૃત્વ હેઠળ હવે આયોગનું બંધારણીય અને વહીવટી માળખું સંપૂર્ણપણે ભરાઈ ગયું છે. ચેરમેન હસમુખ પટેલ અને કુલ 9 સભ્યો મળીને GPSCનું કુલ 10 સભ્યોનું માળખું પૂર્ણ થયું છે. લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરાતાં હવે રાજ્યના સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે ભરતી કેલેન્ડર અને ઇન્ટરવ્યુ પ્રક્રિયા વધુ પારદર્શી અને ઝડપી બનશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો