સપ્ટેમ્બરમાં મળનારા વિધાનસભાના ચોમાસુ સત્રમાં સરકાર ગુજરાત ભૂગર્ભજળ વિધેયક 2029 રજૂ કરી શકે છે.આ નવા કાયદાથી સરકાર રાજ્યમાં આડેધડ થતા ભૂગર્ભજળના દોહન ઉપર નિયંત્રણ અને નિયમન કરવા માટે અલાયદી ઓથોરિટી રચવાનો અધિકાર મેળવશે, જે આડેધડ ભૂગર્ભજળ દોહનકર્તાઓ સામે કાર્યવાહી કરી શકશે.જેમાં 10 લાખ સુધીના દંડ અને કેદની સજા જેવી જોગવાઈઓ નિયત કરવાની વિચારણા છે.ગુજરાતમાં વર્ષ 2012 સુધી અધિકાંશ તાલુકાઓ ડાર્કઝોન હેઠળ હતા.
ભૂગર્ભજળના વપરાશ ઉપર દેખરેખ
ડાર્કઝોન એ ભૂગર્ભજળનું સૌથી વધુ દોહન ધરાવતા તાલુકા માટે વપરાતો શબ્દ છે.વર્ષ 2012માં કૃષિ વિષયક સિંચાઈ (બોરવેલ) માટે ચોક્કસ શરતોને આધીન વીજ જોડાણ આપવામાં આવ્યા જેના કારણે ડાર્કઝોન શબ્દ હટાવી લેવાયો છે.હવે પાણીનો ઉપાડ કુદરતી રિચાર્જ કરતાં વધારે હોય તેવા ક્ષેત્રો ઓવર એકસપ્લોઈટેડ તરીકે ઓળખવામાં આવે છે.એક રીતે ડાર્કઝોનના આ નવા સ્વરૂપે નવો કાયદો ઘડવાનું ગુજરાત સરકારમાં વિચારણા હેઠળ છે. હાલમાં ભૂગર્ભજળ માટે ત્રણ અલગ સ્તરેથી નિયમન નિયંત્રણ અને મંજૂરી સંલગ્ન વ્યવસ્થા છે જે બદલાયેલા સમયમાં અપૂરતી હોવાથી ભૂગર્ભજળના વપરાશ ઉપર દેખરેખ રાખવા સરકાર ગુજરાત સ્ટેટ ગ્રાઉન્ડ વોટર રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી રચવાનો કાયદો ઘડી રહી છે.
ગેરકાયદેસર પાણી ઉલેચવા બદલ દંડ અને કેદની સજા
આ ઓથોરિટી ભૂગર્ભજળના સંતુલિત અને ટકાઉ વપરાશની નીતિઓના અમલકર્તા તરીકે જવાબદારી સંભાળશે.હજી વિધેયકના મુસદ્દાને આખરી ઓપ અપાય નથી, પરંતુ પાણીના સ્ત્રોતને સૂકાતા અટકાવી શકાય તે માટે સરકાર પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ ક્ષેત્રોને ગ્રાઉન્ડવોટર પ્રોટેક્શન ઝોન તરીકે જાહેર કરશે.જ્યાં ભૂગર્ભજળ પ્રદૂષિત કરવા બદલ 1 લાખ સુધી અને ગેરકાયદેસર પાણી ઉલેચવા બદલ રૂ.10 લાખ સુધીનો દંડ અને કેદની સજાની જોગવાઈઓ સૂચવાઈ છે.જોકે હજી સુધી તેને આખરી કરવામાં આવી નથી.
વપરાશકારોને વોટર ચાર્જમાથી મુક્તિ અપાશે
વરસાદી પાણી સંચયની સિસ્ટમ ન લગાવનાર સામે દંડ અને જેલની જોગવાઈ રાખવાનો વિચાર હોવાનું જણાવતાં ટોચના અધિકારીએ કહ્યું કે,ઔધોગિક હેતુ, વ્યાપારી ઉદ્દેશ્ય અને ઘરેલું વપરાશ માટે મંજૂરી અનિવાર્ય રહેશે.જોકે,ખેતી વિષયક વપરાશકારોને વોટર ચાર્જમાથી મુક્તિ આપવામાં આવશે.કાયદાના અમલ માટે ગ્રામ્ય સ્તરથી લઈને રાજ્યકક્ષાએ અલગ-અલગ સમિતિઓ બનાવીને ભુગર્ભજળ સંસાધનોનું નિરીક્ષણ કરાશે.પાણી બચાવવા ગ્રામ પંચાયત,તાલુકા-જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા સ્તરે વોટર સિક્યોરિટી પ્લાન તૈયાર થશે.
આ પણ વાંચોઃ Mahisagar: જીવાદોરી સમાન કડાણા ડેમની સપાટી 402.8 ફૂટે પહોંચી