ગુજરાતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના અમલીકરણના 9 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે.આ સમયગાળા દરમિયાન રાજ્યની કર વ્યવસ્થામાં અભૂતપૂર્વ પારદર્શિતા અને સુદ્રઢતા જોવા મળી છે.જૂન 2026ના આંકડા મુજબ ગુજરાતની GST આવકમાં ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર 28 ટકાનો વધારો નોંધાયો છે. માત્ર જૂન મહિનામાં જ રાજ્યને GST પેટે 7,800 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત થઈ છે,જ્યારે વેટ (VAT)અને વિદ્યુત શુલ્ક સહિત રાજ્યની કુલ વેરા આવક 11,873 કરોડ રૂપિયા સુધી પહોંચી છે.

રજીસ્ટર્ડ કરદાતાઓની સંખ્યા 14.31 લાખ થઈ

રાજ્યમાં ટેક્સ અનુપાલન (Tax Compliance)નું સ્તર પણ ઉચ્ચતમ રહ્યું છે.વર્ષ 2025-26 દરમિયાન ગુજરાતમાં રેકોર્ડબ્રેક 99.6% GST પત્રકો ભરાયા છે.જે વેપારીઓની સજાગતા અને સરળ કર પ્રક્રિયાનું પરિણામ છે.પરિણામે ગુજરાત સતત પાંચ વર્ષથી GST અમલીકરણ અને કર ભરાવવામાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.કરદાતાઓના વિશ્વાસમાં થયેલા વધારાને કારણે રાજ્યમાં રજીસ્ટર્ડ કરદાતાઓની સંખ્યા 5.08 લાખથી વધીને 14.31 લાખના આંકડાને સ્પર્શી ગઈ છે.

ગુજરાત દેશના આર્થિક ગ્રોથ એન્જિન તરીકે અગ્રેસર

નાણાકીય વર્ષ 2020-21માં GST આવક 30,628 કરોડ રૂપિયા હતી જે 2025-26ના અંત સુધીમાં વધીને 83,066 કરોડ રૂપિયા પર પહોંચી છે.આ જંગી વધારો ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અને આર્થિક નીતિઓની સફળતાને પ્રતિબિંબિત કરે છે.આમ ડિજિટલ માળખું અને વેપાર-ઉદ્યોગ માટે અનુકૂળ વાતાવરણને લીધે ગુજરાત દેશના આર્થિક ગ્રોથ એન્જિન તરીકે પોતાની અગ્રેસર સ્થિતિ સતત જાળવી રાખવામાં સફળ રહ્યું છે.


આ પણ વાંચોઃ Sandesh Digital Explainer : માત્ર મેરેજ સર્ટિફિકેટ હિન્દુ લગ્નને કાયદેસર બનાવતું નથી? જાણો અન્ય ધર્મોમાં લગ્નનો આધાર શું છે