ગુજરાતના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યના વિવિધ 10 મહત્વના ધાર્મિક અને પ્રવાસન સ્થળો ખાતે યાત્રાળુ સુવિધાઓ, નવનિર્માણ અને આધુનિક વિકાસ કાર્યો માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ વિકાસ કામો હેઠળ રાજકોટ, વડોદરા, કચ્છ, મહેસાણા, વલસાડ, નવસારી, અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોના મહત્વના યાત્રાધામોનો વિકાસ કરવામાં આવશે.
રૂપાલ માટે સૌથી મોટું વિકાસ પેકેજ
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે આવેલા શ્રી વરદાયિની માતાજી મંદિરના સર્વગ્રાહી વિકાસ માટે રૂ. 35 કરોડના અંદાજિત કામોને મંજૂરી આપવામાં આવી છે. યાત્રાળુઓ માટે વધુ સારી અને આધુનિક સુવિધાઓ ઉભી કરવાનો મુખ્ય હેતુ છે.
મંજૂર કરવામાં આવેલા વિકાસ કાર્યોની વિગત:
અનલગઢ કિલ્લો અને મહાકાળી માતાજી મંદિર, ગોંડલ (જિ. રાજકોટ):
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા ખાતે આવેલા ઐતિહાસિક અનલગઢ કિલ્લા તેમજ મહાકાળી માતાજીના મંદિરની આજુબાજુના પરિસરના વિકાસ માટે રૂ. 5. 06 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે.
મહીસાગર નદી કિનારે ઘાટ વિકાસ, ભાદરવા (જિ. વડોદરા):
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ખાતે ચેહર માતા મંદિર પાસે મહીસાગર નદી કિનારે ઘાટ નિર્માણ, વોક-વે, પેવર બ્લોક, રેલિંગ અને લેન્ડસ્કેપિંગ સહિતની પાયાની સુવિધાઓ ઉભી કરવા અર્થે રૂ. 3.31 કરોડની રકમની સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
ગોવર્ધન પર્વત ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, અંજાર (જિ. કચ્છ):
કચ્છ જિલ્લાના અંજાર ખાતે પ્રવાસનને વેગ આપવા ‘ડેવલપમેન્ટ ઓફ ગોવર્ધન પર્વત’ ની મહત્વકાંક્ષી કામગીરી માટે રૂ. 12.98 કરોડના વિકાસ કામોને મંજૂરી અપાઈ છે.
શ્રી મહાકાળી માતાજી મંદિર (મીની પાવાગઢ), ઉમરેચા (જિ. મહેસાણા):
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ઉમરેચા ગામ ખાતે આવેલા શ્રી મહાકાળી માતાજી મંદિર ખાતે યાત્રાળુઓની સુવિધા અને સલામતી માટે હાઈ માસ્ટ પોલ, સ્ટ્રીટ લાઈટ પોલ, લાઈટિંગ વાયરિંગ, ઓપન ડ્રેનેજ તથા કર્બ બીમ જેવા પાયાના કામો માટે રૂ. 50 લાખની મંજૂરી આપવામાં આવી છે.
શ્રી ગોરા રામજી મંદિર, ધરમપુર (જિ. વલસાડ):
વલસાડના ધરમપુર સ્થિત શ્રી ગોરા રામજી મંદિરના પ્રથમ માળ અને છતના રિપેરિંગ, પ્લાસ્ટર, કલર કામ, જી.શીટ તેમજ ફ્લોરિંગ સહિતના સમારકામ માટે ટેક્સ સાથે રૂ. 18.91 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.
શ્રી ઉનાઈ માતાજી મંદિર સંકુલ વિકાસ, વાંસદા (જિ. નવસારી):
નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ઉનાઈ માતાજી મંદિર પરિસરમાં શ્રી રામચંદ્રજી મંદિર, હનુમાનજી મંદિર, પ્રદક્ષિણા પથ, એન્ટ્રન્સ ગેટ, લેન્ડસ્કેપિંગ, કમ્પાઉન્ડ વોલ, સમ્પ, કલ્ચરલ હોલ, ભોજનાલય અને લાયબ્રેરી સહિતના સર્વાંગી વિકાસ કામો માટે રૂ. 5.03 કરોડની મંજૂરી અપાઈ છે.
શ્રી જોધલપીર મંદિર નવનિર્માણ, કેસરડી (જિ. અમદાવાદ):
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેસરડી ગામ ખાતે આવેલા શ્રી જોધલપીર મંદિરના ભવ્ય નવનિર્માણ અને પરિસરના અન્ય આનુષંગિક વિકાસ કાર્યો માટે કુલ રૂ. 21.75 કરોડની માતબર રકમના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
શ્રી વરદાયિની માતાજી મંદિર સર્વગ્રાહી વિકાસ, રૂપાલ (જિ. ગાંધીનગર):
ગાંધીનગર સ્થિત પ્રસિદ્ધ યાત્રાધામ રૂપાલ ખાતે આવેલા શ્રી વરદાયિની માતાજી મંદિર પરિસરના સર્વગ્રાહી વિકાસ તેમજ યાત્રાળુઓની ઉત્કૃષ્ટ સુવિધાઓ અર્થે રૂ. 35 કરોડના અંદાજિત વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે.
શ્રી વાળીનાથ મહાદેવ મંદિર વીજળીકરણ અને સોલાર પ્રોજેક્ટ, તરભ. વિસનગર (જિ. મહેસાણા):
શ્રી વાળીનાથ મહાદેવ મંદિર ખાતે પર્યાવરણ અનુકૂળ ઉર્જા વ્યવસ્થા તેમજ સુચારુ વિદ્યુત સુવિધા સુનિશ્ચિત કરવા ૧૦૦ કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ અને વીજળીકરણના અન્ય કામો માટે રૂ. 2.68 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે.
આઈકોનિક ડેવલપમેન્ટ ઑફ ગ્રેટર ગીર પ્રોજેક્ટ:
ગ્રેટર ગીર વિસ્તારમાં પ્રવાસનને નવી ઊંચાઈઓ આપવા ‘આઈકોનિક ડેવલપમેન્ટ ઑફ ગ્રેટર ગીર પ્રોજેક્ટ’ અંતર્ગત વિવિધ મહત્વના સ્થળો ખાતે પ્રવાસનલક્ષી વિકાસ કામો હાથ ધરવા માટે રૂ. 46.91 કરોડના અંદાજિત ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.
પ્રવાસન તેમજ રોજગારીની નવી તકોનું નિર્માણ થશે
આ વિકાસ કાર્યો પૂર્ણ થવાથી રાજ્યભરમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને ઉત્કૃષ્ટ પાયાની સુવિધાઓ પ્રાપ્ત થશે અને સ્થાનિક સ્તરે પ્રવાસન તેમજ રોજગારીની નવી તકોનું નિર્માણ થશે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ