ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ટૂંકું ચોમાસું સત્ર આજે વિધિવત રીતે પૂર્ણ થયું છે. આ ચોમાસું સત્ર દરમિયાન કૂલ 18 કલાક અને 32 મિનિટ સુધી ગૃહની કામગીરી ચલાવવામાં આવી હતી. આ ટૂંકા ગાળામાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ, સુધારા અને પ્રશાસનિક ક્ષેત્રે અત્યંત મહત્વના એવા કૂલ સાત સરકારી વિધેયકો (બિલ) ગૃહ સમક્ષ રજૂ કરીને સર્વાનુમતે તથા બહુમતીથી પસાર કરવામાં આવ્યા હતા.

1,356 પ્રશ્નો રજૂ, 52 ધારાસભ્યોએ ચર્ચામાં લીધો ભાગ 

આ સત્ર દરમિયાન વિવિધ લોકપ્રશ્નો અને રાજ્યના મહત્વના મુદ્દાઓ પર વ્યાપક ચર્ચાઓ જોવા મળી હતી. ગૃહની કામગીરી દરમિયાન કૂલ 1,356 તારાંકિત પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 29 જેટલા અગત્યના પ્રશ્નો પર ગૃહના ફ્લોર પર મૌખિક ચર્ચા હાથ ધરાઈ હતી. સત્ર દરમિયાન શાસક અને વિપક્ષના મળીને કૂલ ૫૨ ધારાસભ્યોએ અલગ-અલગ વિષયો અને બિલ પરની ચર્ચામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

5 અહેવાલો અને 5,246 પ્રેક્ષકોની ઉપસ્થિતિ 

ચોમાસું સત્ર દરમિયાન રાજ્ય સરકાર અને વિવિધ સમિતિઓના કૂલ પાંચ અલગ-અલગ અહેવાલો પણ ગૃહ સમક્ષ રજૂ કરાયા હતા, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વકાંક્ષી યોજના 'જલ જીવન મિશન' અંગેનો સીએજી (CAG) રિપોર્ટ પણ ગૃહના ટેબલ પર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પ્રજા અને યુવાનોમાં લોકશાહીની પ્રક્રિયા પ્રત્યે રસ વધે તે હેતુથી કૂલ 5,246 જેટલા દર્શકો અને પ્રેક્ષકોએ વિધાનસભાની કામગીરી પ્રત્યક્ષ રીતે નિહાળી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો