ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો 11 સપ્ટેમ્બરના રોજ ત્રીજો અને અંતિમ દિવસ છે. 11 સપ્ટેમ્બરે સવારે 10:00 વાગે ગૃહની કામગીરીનો પ્રારંભ થશે. દિવસના પ્રથમ એક કલાક દરમિયાન પ્રશ્નોત્તરી કાળ યોજાશે, જેમાં નાણાં, શહેરી વિકાસ, કૃષિ, પશુપાલન, શ્રમ અને રોજગાર, સામાજિક ન્યાય તથા પુરવઠા વિભાગને લગતા વિવિધ પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.
નિયમ 116 હેઠળ દુષ્કાળની સ્થિતિ પર ચર્ચા
રાજ્યમાં પ્રવર્તતી દુષ્કાળની સ્થિતિ અંગેનો ગંભીર મુદ્દો 11 સપ્ટેમ્બરે વિધાનસભા ગૃહમાં ગાજશે. કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી દ્વારા નિયમ 116 હેઠળ આ મુદ્દો ઉઠાવવામાં આવશે. આ ચર્ચા દરમિયાન રાજ્ય સરકાર દ્વારા દુષ્કાળ રાહત અને પશુપાલકો-ખેડૂતો માટે કરવામાં આવેલા વિવિધ કામોનો સત્તાવાર જવાબ આપવામાં આવશે.
ત્રણ મહત્વપૂર્ણ સરકારી વિધેયકો થશે રજૂ
સત્રના આખરી દિવસે રાજ્ય સરકાર દ્વારા ત્રણ મહત્વના કાયદાકીય સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે:
- ગુજરાત ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિધેયક: રાજ્યમાં વેપાર અને ઉદ્યોગ સાહસિકતાને વધુ સુગમ બનાવવા માટે.
- ગુજરાત ભાડા વિધેયક: ભાડા કરાર અને મકાનમાલિક-ભાડૂતના નિયમોમાં સુધારા અર્થે.
- ગુજરાત ખેતીની જમીન ટુકડા પડતા અટકાવવા અને એકત્રીકરણ કરવા અંગેનું સુધારા વિધેયક: જમીનના નાના ટુકડા થતા રોકવા અને કૃષિ ક્ષેત્રે સુધારા માટે.
અહેવાલોની રજૂઆત અને છેલ્લા દિવસનો પ્રસ્તાવ
ગૃહની કામગીરી દરમિયાન અલગ-અલગ સરકારી બોર્ડ અને નિગમોના વાર્ષિક અહેવાલો ટેબલ કરવામાં આવશે. આ ઉપરાંત, સત્રના અંતિમ દિવસે ધારાસભ્ય મોહનભાઈ ઢોળીયા દ્વારા આદિવાસી સમાજના વિકાસ કામો પર વિશેષ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: Gujarat Assembly: પશુ આહાર બીલ સર્વાનુમતે પસાર, અધ્યક્ષ શંકર ચૌધરીએ રચ્યો ઇતિહાસ