ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને ભારતીય કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) દ્વારા અરબી સમુદ્રમાં એક અત્યંત સાહસિક અને ગુપ્ત સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભૂતપૂર્વ સફળ કામગીરી બદલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ATS અને કોસ્ટ ગાર્ડની સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. તેમણે વિગતો આપતાં જણાવ્યું હતું કે, સુરક્ષા એજન્સીઓના જવાનોએ સતત 16 દિવસ સુધી દરિયાના ઊંડા પાણીમાં રહીને આ જટિલ મિશન પાર પાડ્યું હતું.
525 કિલો ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકો ઝડપાયા
આ હાઇ-પ્રોફાઇલ ઓપરેશન દરમિયાન દરિયાઈ સીમા નજીકથી એક શંકાસ્પદ બોટમાંથી 5 પાકિસ્તાની નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. બોટની સઘન તપાસ દરમિયાન તેમાંથી આશરે 525 કિલો જેટલો મોટો કેફી પદાર્થોનો (ડ્રગ્સ) જથ્થો મળી આવ્યો હતો, જેને તાત્કાલિક જપ્ત કરી લેવાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા આ ડ્રગ્સની અંદાજિત કિંમત રૂ. 2,500 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે. જવાનોએ દરિયામાં ઓપરેશન હાથ ધરવાની સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પણ અનેક ગુપ્ત માહિતીઓ એકત્ર કરી આ નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.
