ગુજરાતમાં વિદેશી રાજદ્વારી અને કોન્સ્યુલર મિશનો સાથેના વ્યવહારોમાં ડિપ્લોમેટિક પ્રોટોકોલ અને સ્થાપિત પ્રત્યાયન ચેનલનું ચુસ્તપણે પાલન કરવા માટે ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયના અર્ધસરકારી પત્રો અને પ્રોટોકોલ હેન્ડબુકની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને આ પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.જેમાં તમામ સરકારી વિભાગો અને વહીવટી તંત્રને સૂચનાઓ આપવામાં આવી છે. નવા નિયમ અનુસાર મંત્રીઓ કે રાજ્યપાલ સાથેની બેઠક માટે વિદેશ મંત્રાલયની લેખિત મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી છે.જેના વિના કોઈ સત્તાવાર બેઠક યોજી શકાશે નહીં.વિદેશી વેપાર, પ્રોજેક્ટ સહયોગ તેમજ વિદેશ પ્રવાસના તમામ આમંત્રણો પણ વિદેશ મંત્રાલય મારફતે જ આગળ ધપાવવાના રહેશે અને તમામ સરકારી વિભાગો તથા કલેક્ટરોને આ આદેશોનું ચુસ્તપણે પાલન કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા જ જાહેર કરવામાં આવેલા આ પરિપત્રથી અનેક ચર્ચાઓ શરૂ થવા પામી છે.
વિદેશ પ્રવાસના આમંત્રણો મંત્રાલયને મોકલવા રહેશે
પ્રાપ્ત વિગતો અનુસાર, તાજેતરમાં કેટલાક વિદેશી રાજદ્વારી મિશનો દ્વારા સ્થાપિત પ્રત્યાયન વ્યવસ્થાને બાયપાસ કરીને રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને મહાનુભાવોના કાર્યાલયો સાથે સીધો સંપર્ક સાધીને બેઠકો તથા શુભેચ્છા મુલાકાતો માંગવામાં આવી રહી હોવાનું ધ્યાને આવ્યું હતું.ભારતના બંધારણની સાતમા પરિશિષ્ટની સંઘ યાદી મુજબ વિદેશ સંબંધો, વિદેશી પ્રતિનિધિઓ અને રાજદ્વારી બાબતો કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે. તેમજ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા રૂલ્સ 1961 હેઠળ આ તમામ બાબતો સંપૂર્ણપણે વિદેશ મંત્રાલય હસ્તક છે.રાષ્ટ્રીય હિતો અને શિષ્ટાચારની જાળવણી માટે કેન્દ્ર અને રાજ્ય સ્તરે એકસૂત્રતા જાળવવી અનિવાર્ય છે.નવા પરિપત્રની માર્ગદર્શિકા મુજબ,કોઈપણ વિદેશી મિશન કે કોન્સ્યુલર પ્રતિનિધિ દ્વારા રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રીઓ કે રાજ્ય સરકારના કોઈપણ વિભાગ સાથે નીતિગત બાબતો, વિદેશ વેપાર, બાહ્ય સહાય, પ્રોજેક્ટ કોલાબોરેશન, પ્રવાસ કે શુભેચ્છા મુલાકાત માટે સીધો સંપર્ક કરવામાં આવે તો તેનો સીધો સ્વીકાર કરવો નહીં કે મંજૂરી આપવી નહીં.
