ચોમાસાની ઋતુમાં ગુજરાત રાજ્ય માટે જળસંપત્તિના ક્ષેત્રે રાહતના સમાચાર સામે આવ્યા છે. 8 ઓગસ્ટ 2026 ની સ્થિતિએ રાજ્યના કુલ 207 જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતા (25,257.56 MCM) ની સરખામણીએ હાલ 17,798.94 MCM જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ ક્ષમતાના 70.47% જેટલો સંગ્રહ દર્શાવે છે. નોંધનીય છે કે, ગયા વર્ષે આ જ દિવસે રાજ્યના જળાશયોમાં 18,186.34 MCM પાણીનો સંગ્રહ હતો.
સરદાર સરોવર નર્મદા ડેમ 81.30% ભરાયો
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ આવક થઈ રહી છે. હાલ ડેમની મુખ્ય જળ સપાટી 133.00 મીટર પર પહોંચી ગઈ છે અને તેમાં 81.30% (7,691.00 MCM) પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે. ઉપરવાસમાંથી સરેરાશ 17,348 ક્યુસેક પાણીની આવક સતત થઈ રહી છે, જેના કારણે આગામી સમય માટે સિંચાઈ અને પીવાના પાણીની સુરક્ષા સુનિશ્ચિત થઈ છે.
વિભાગવાર પાણીના સંગ્રહની સ્થિતિ
રાજ્યના જુદા જુદા ઝોનમાં વરસાદના આધારે જળાશયોની સપાટી નીચે મુજબ નોંધાઈ છે:
- દક્ષિણ ગુજરાત: સૌથી વધુ 75.46% પાણીનો સંગ્રહ થયો છે. અહીંના કુલ 13 ડેમમાંથી 9 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે.
- મધ્ય ગુજરાત: આ ક્ષેત્રના જળાશયોમાં 57.09% પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે.
- સૌરાષ્ટ્ર: પ્રદેશના 141 નાના-મોટા ડેમમાં સરેરાશ 53.33% સંગ્રહ છે, જેમાંથી 15 ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે.
- ઉત્તર ગુજરાત: આ ક્ષેત્રના જળાશયોમાં 42.02% પાણીનો જથ્થો નોંધાયો છે.
- કચ્છ: કચ્છ પ્રદેશમાં હાલ સૌથી ઓછો 25.42% સંગ્રહ જોવા મળ્યો છે.
રાજ્યના મુખ્ય ડેમ જે હાઈ એલર્ટ અને છલોછલ ભરાયા
ઉપરવાસમાં અને સ્થાનિક સ્તરે થયેલા ભારે વરસાદને કારણે રાજ્યના અનેક મુખ્ય જળાશયો પૂર્ણ સપાટીએ પહોંચતા તંત્ર દ્વારા હાઈ એલર્ટ અને ચેતવણી જાહેર કરવામાં આવી છે:
- શેત્રુંજી: 100% ભરાઈ ગયેલ છે.
- બ્રાહ્મણી અને મચ્છુ-2: બ્રાહ્મણી (100%) અને મચ્છુ-2 (98.58%) ભરાયા છે.
- ઝૂજ અને કેલિયા: બંને ડેમ 100% ભરાઈ ચૂક્યા છે.
- દોસવાડા, ચોપડવાવ અને કાકડી-આંબા: તમામ 100% ભરાયેલા છે.
- ઢોલી, બળદેવા અને પીગુટ: 100% ભરાઈ ગયા છે.
- વણકબોરી: 99.59% પાણીનો સંગ્રહ થયો છે.
આ પણ વાંચો - Gujaratમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી: સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય-દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર