ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દેશભરમાં શાળાઓને મોડેલ સ્કૂલ તરીકે વિકસાવવા માટે કાર્યરત પીએમ શ્રી યોજના હેઠળ, ગુજરાતની પસંદગી પામેલી 426 સરકારી શાળાઓમાં સ્પેશિયાલિસ્ટ શિક્ષકોની અછત દૂર કરવા માટે આ કવાયત હાથ ધરાઈ છે. આ ભરતી દ્વારા શાળાઓમાં નિયમિત શિક્ષણ ઉપરાંત કલા અને રમતગમતનું સ્તર સુધારવાનો લક્ષ્યાંક છે.
ચિત્ર, સંગીત અને સ્પોર્ટ્સ કોચની થશે સીધી ભરતી
આ જાહેરનામા અનુસાર, શાળાઓમાં ચિત્ર અને કલા, સંગીત અને નૃત્ય જેવા સાંસ્કૃતિક વિષયો માટે લાયકાત ધરાવતા શિક્ષકોની નિમણૂક થશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને રમતગમતમાં પ્રોત્સાહન પૂરું પાડવા માટે સ્પોર્ટ્સ કોચ અને વિવિધ વિષયોના રિસોર્સ પર્સનની જગ્યાઓ પણ ભરવામાં આવશે. આ તમામ ભરતીઓ ટૂંકા ગાળાના કરાર આધારિત પ્રોજેક્ટ રૂપે રહેશે. જેમાં ઉમેદવારને માર્ચ-૨૦૨૭ સુધીના શૈક્ષણિક સત્ર દરમિયાન મહત્તમ ૧૦૦ દિવસ કામ કરવાનું રહેશે અને કામ કરેલા દિવસો મુજબ પ્રતિ દિવસ રૂપિયા 864 લેખે વળતર ચૂકવવામાં આવશે.
