તહેવારોની મોસમ નજીક છે, ત્યારે ગુજરાતના લાખો સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. મહામંડળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને સત્તાવાર પત્ર પાઠવીને દિવાળીના તહેવાર પહેલા જ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધારવાની જોરદાર માંગ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારના ધોરણે 3 ટકા DA વધારવાની માગ
મહામંડળ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરીને તેને 55 ટકાથી વધારીને 58 ટકા કરવામાં આવ્યો છે. કેન્દ્રની જેમ જ ગુજરાત રાજ્યના અધિકારીઓ અને કર્મચારીઓને પણ આનો લાભ મળવો જોઈએ. રાજ્યના કર્મચારીઓને પણ કેન્દ્રના ધોરણે જુલાઈ 2025થી 3 ટકા મોંઘવારી ભથ્થાનો વધારો આપવા માટે પત્રમાં વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જુલાઈ 2025થી લાભ આપવા માટે રજૂઆત
કર્મચારી મહામંડળની સ્પષ્ટ માગ છે કે, કેન્દ્ર સરકારની અર્જત મુજબ રાજ્યના કર્મચારીઓ માટે પણ DA નો આ વધારો જુલાઈ 2025 થી જ અમલી બનાવવામાં આવે. જો સરકાર દ્વારા આ મામલે સત્વરે હકારાત્મક નિર્ણય લેવામાં આવે, તો રાજ્યના લાખો કર્મચારીઓ અને અધિકારીઓના એરિયર્સ તેમજ માસિક પગારમાં સારો એવો વધારો જોવા મળશે.

દિવાળી પહેલા જાહેરાત થાય તો કર્મચારીઓને થશે મોટો ફાયદો
પત્રમાં ખાસ ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે, જો આગામી દિવાળીના તહેવારો પહેલા જ સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા (DA) અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવે, તો રાજ્યના તમામ કર્મચારીઓ માટે દિવાળીનો તહેવાર વધુ આનંદદાયક બની રહેશે. હાલ આ રજૂઆત બાદ રાજ્ય સરકાર આગામી કેબિનેટ બેઠક કે સત્તાવાર સ્તરે શું નિર્ણય લે છે તેના પર તમામ કર્મચારીઓની મીટ માંડાઈ છે.
આ પણ વાંચો: Ahmedabad News: 19 સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે મોટો ખુલાસો! પાકિસ્તાન અને બાંગ્લાદેશ કનેક્શન અને ક્રિપ્ટોકરન્સીથી સોદા!