રાજ્યના સરકારી વિભાગોમાં એકબીજા પર દોષનો ટોપલો ઢોળવાની અને કામ ટાળવાની નીતિ પર લગામ કસવા માટે ગુજરાત સરકારે લાલ આંખ કરી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા ‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ તમામ સરકારી વિભાગોને અત્યંત આકરો આદેશ જારી કરવામાં આવ્યો છે. 

રોલ બેઝ્ડ રિસ્પોન્સિબિલિટી નક્કી કરાશે

હવેથી સરકારી બાબતોમાં 'રોલ બેઝ્ડ રિસ્પોન્સિબિલિટી' એટલે કે હોદ્દા મુજબ ચોક્કસ જવાબદારી નક્કી કરવાનો નિર્ણાયક હુકમ કરવામાં આવ્યો છે, જેથી અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે.

500 જેટલી તપાસોના તારણોને આધારે નિર્ણય 

ઉલ્લેખનીય છે કે, 'ઓપરેશન ગંગાજળ' હેઠળ ચાલી રહેલી આશરે 1500 જેટલી તપાસોના તારણોને આધારે રાજ્ય સરકારે આ મોટો નિર્ણય લીધો છે. સામાન્ય વહીવટ વિભાગે તમામ સરકારી કચેરીઓ અને વિભાગોને પોતાની વહીવટી, યોજનાકીય અને નાણાકીય જવાબદારીઓ સ્પષ્ટ કરતા પરિપત્રો પ્રસિદ્ધ કરવા માટે 3 મહિનાની આકરી ડેડલાઇન આપી છે. સમયમર્યાદા પૂરી થયા બાદ જવાબદારી નક્કી ન કરનાર વિભાગ સામે કડક વહીવટી કાર્યવાહી થઈ શકે છે.

સરકારી કામકાજમાં પારદર્શિતા અને ઝડપ આવશે

આ નવા આદેશથી સરકારી કામકાજમાં પારદર્શિતા અને ઝડપ આવશે. ફાઈલો અને દરખાસ્તો પર પત્રાચાર કોણે કરવાનો રહેશે, યોજનાકીય અમલીકરણ માટે કોણ જવાબદાર રહેશે અને નાણાકીય મંજૂરી કે ચુકવણીમાં કોઈ ક્ષતિ રહી જાય તો તેની આખરી જવાબદારી કયા અધિકારીની રહેશે તે બાબતો બિલકુલ સ્પષ્ટ કરી દેવામાં આવશે. પરિણામે, ભૂલ કે વિલંબના કિસ્સામાં અધિકારીઓ એકબીજા પર દોષારોપણ કરી શકશે નહીં અને કાયદાકીય તથા નાણાકીય જવાબદારી સીધી સંબંધિત અધિકારીની જ રહેશે. 


આ પણ વાંચો   :  Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?