ગુજરાત સરકારે રાજ્યના મંત્રીઓ, સચિવો, કલેક્ટર સહિત વિવિધ સંવર્ગના અધિકારીઓ અને પદાધિકારીઓ માટે એક નવી અને સુગ્રથિત વાહન નીતિ જાહેર કરી છે. આ નવી નીતિ હેઠળ દરેક હોદ્દા અને કક્ષા મુજબ નિયત વાહનોના ચોક્કસ મોડેલ મંજૂર કરવામાં આવ્યા છે. વધુમાં, સરકારી કામગીરીને વધુ સુચારુ બનાવવા માટે 'ફિલ્ડ ઇન્સ્પેક્શન' (ક્ષેત્રીય નિરીક્ષણ) અને 'ઓફ રોડ ડ્યુટી' માટે એક નવી કેટેગરી ઉમેરીને વાહનોની ફાળવણી સુનિશ્ચિત કરવામાં આવી છે.

GeM પોર્ટલથી ખરીદી અને પર્યાવરણ સુરક્ષા

સરકારી ખરીદીમાં પારદર્શિતા લાવવાના હેતુથી તમામ વિભાગો માટે હવે નક્કી કરેલા વાહનોની ખરીદી માત્ર GeM (Government e-Marketplace) પોર્ટલ પરથી જ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ઈંધણ અને પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને ખરીદીમાં પ્રથમ અગ્રતા પેટ્રોલ વાહનોને આપવામાં આવશે; જો પેટ્રોલ વિકલ્પ ઉપલબ્ધ ન હોય તો જ ડીઝલ વાહનની પસંદગી કરી શકાશે. આ ઉપરાંત, પર્યાવરણની જાળવણી માટે ઈચ્છુક વિભાગોને ઇલેક્ટ્રિક વાહનો (EV) ખરીદવાની પણ સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે.

પંચાયત પ્રમુખોને મંજૂરી અને નાણા વિભાગની મંજૂરી ફરજિયાત

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વધુ મજબૂત કરવાના આશયથી જિલ્લા પંચાયત પ્રમુખોને હવે DDO (જિલ્લા વિકાસ અધિકારી) કક્ષાના અધિકારી સમકક્ષ વાહનો ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ મંજૂર કરાયેલી વાહન નીતિ બહારના કોઈપણ વાહનની ખરીદી કરવી હશે, તો તેના માટે નાણાં વિભાગની પૂર્વ મંજૂરી મેળવવી અત્યંત ફરજિયાત રહેશે. આ નીતિથી સરકારી ખર્ચમાં શિસ્ત અને એકરૂપતા આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો