રાજ્યના શહેરી વિસ્તારોના સુઆયોજિત અને ઝડપી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને જનહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં નવી બનેલી 9 મહાનગરપાલિકાઓમાં નાગરિકો માટે પ્રાથમિક અને જાહેર સુવિધાઓ ઝડપથી ઊભી થઈ શકે તે હેતુથી સરકાર દ્વારા આ મહાનગરપાલિકાઓને વિનામૂલ્યે સરકારી જમીન ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નવી બનેલી 9 મહાનગરપાલિકાઓને જમીન ફાળવવાનો નિર્ણય
મળતી વિગતો અનુસાર, રાજ્ય સરકારે નવી મહાનગરપાલિકાઓને જમીન મેળવવામાં પડતી વહીવટી અડચણો દૂર કરવા માટે જમીન ફાળવણીના પ્રવર્તમાન નિયમોમાં મોટી છૂટછાટ આપી છે. સરકારની આ ખાસ જોગવાઈનો લાભ આગામી 5 વર્ષ સુધી આ 9 નવી મહાનગરપાલિકાઓને મળતો રહેશે. આ ઉપરાંત, વિકાસલક્ષી કામોમાં વિલંબ ન થાય તે માટે 1 હેક્ટર સુધીની જમીન ફાળવણીની પ્રક્રિયા પણ અત્યંત સરળ બનાવી દેવામાં આવી છે.
