ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રને સુદ્રઢ બનાવવા અને ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં વિકાસ કાર્યોની ગતિ જળવાઈ રહે તે માટે મહત્વપૂર્ણ વહીવટી આદેશ જારી કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા રાજ્ય કેડરના 1 આઈએએસ (IAS) અને ૫ સિનિયર જીએએસ (GAS) કેડરના અધિકારીઓને તાત્કાલિક અસરથી વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આગામી સમયમાં આવી રહેલા ‘જનજાતિ ગૌરવ દિવસ’ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી પૂર્વે આદિવાસી બહુલ જિલ્લાઓમાં પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (PA) ની લાંબા સમયથી ખાલી પડેલી મહત્વની જગ્યાઓ પર અધિકારીઓને હવાલો સોંપી દેવામાં આવ્યો છે, જેથી આદિવાસી વિસ્તારોમાં ચાલી રહેલી કલ્યાણકારી યોજનાઓ અને કાર્યક્રમોનું સુચારૂ સંચાલન થઈ શકે.

આદિવાસી પટ્ટામાં પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટરની જગ્યાઓ ભરાઈ
રાજ્ય સરકારે 1 IAS અને 5 GAS કેડરના અધિકારીઓને તેમની હાલની ફરજો ઉપરાંત મહત્વના વિભાગો અને જિલ્લાઓમાં વધારાનો કાર્યભાર સંભાળવા સત્તાવાર આદેશ કર્યો છે.આદિવાસી જિલ્લાઓમાં સંકલિત આદિજાતિ વિકાસ યોજના (ITDP) હેઠળ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટરની મહત્વની જગ્યાઓ ખાલી હોવાના કારણે વિકાસકામો અને નાણાકીય મંજૂરીઓમાં વિલંબ થતો હતો. સરકારે આ તમામ જગ્યાઓ વધારાના ચાર્જથી ભરી દીધી છે. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ એટલે કે ‘જનજાતિ ગૌરવ દિવસ’ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ લોકાર્પણ, ખાતમુહૂર્ત અને જનકલ્યાણ કાર્યક્રમો યોજાનાર છે. આ કાર્યક્રમોની પૂર્વતૈયારીઓ અને વહીવટી સંકલનમાં કોઈ ક્ષતિ ન રહે તે હેતુથી સરકારે સમયસર આ મહત્વનો નિર્ણય લીધો છે.
સરકારી યોજનાઓ અને કાર્યક્રમોને મળશે નવી ગતિ
આદિવાસી જિલ્લાઓમાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સાથે સંકલન સાધી પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર દ્વારા આદિવાસી યુવાનો, મહિલાઓ અને ખેડૂતો માટેની યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે.વધારાનો ચાર્જ સોંપાતાં જ અટકેલી ફાઈલોનો નિકાલ ઝડપી બનશે અને રાજ્ય સરકાર દ્વારા આયોજિત આગામી કાર્યક્રમોનું મોનિટરિંગ પણ ચુસ્ત બનશે.સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સંબંધિત અધિકારીઓને તાત્કાલિક નવો હવાલો સંભાળી લઈ કામગીરી શરૂ કરી દેવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: Banaskantha: SP પ્રશાંત સુંબેએ 5 PI ની બદલીનો કર્યો હુકમ; પાલનપુરથી અંબાજી સુધી પોલીસ બેડામાં ખળભળાટ!