ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે યુવાનો અને સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. આગામી વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે રાજ્ય સરકાર વિવિધ સરકારી વિભાગોમાં મંજૂર થયેલી અને ખાલી પડેલી જગ્યાઓ પર બમ્પર ભરતીઓ કરવા જઈ રહી છે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સત્તાવાર કવાયત હાથ ધરવામાં આવી છે અને તમામ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.
તમામ વિભાગો પાસે 30 નવેમ્બર સુધીમાં મંગાઈ માહિતી
સરકારના આ મહત્વકાંક્ષી નિર્ણયને અમલી બનાવવા માટે સામાન્ય વહીવટ વિભાગે કમર કસી લીધી છે. વિભાગ દ્વારા રાજ્યના તમામ સરકારી વિભાગો, ખાતાઓ અને સચિવાલયના સંલગ્ન વડાઓ પાસે પોતપોતાના વિભાગમાં મંજૂર થયેલી તથા વર્તમાનમાં ખાલી પડેલી જગ્યાઓની સંપૂર્ણ અને ચોક્કસ માહિતી મંગાવવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગે તમામ વિભાગોને સ્પષ્ટ સૂચના આપી છે કે 30 નવેમ્બર સુધીમાં આ તમામ માહિતી મોકલી દેવાની રહેશે.

