ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રની કામગીરી વધુ ઝડપી, પારદર્શી અને કાર્યક્ષમ બને તે દિશામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ વિભાગમાં વાહનો, ટેકનિકલ સાધનો, ઓફિસ સરસામાન કે અન્ય આવશ્યક સુવિધાઓની ખરીદી માટે થતા વિલંબને નિવારવા માટે ગૃહ વિભાગે નાણાકીય સત્તાઓનું મોટું વિકેન્દ્રીકરણ કર્યું છે.
ગુજરાત પોલીસ વિભાગમાં મોટો પ્રશાસનિક સુધારો
નવા આદેશ મુજબ, હવે જિલ્લા પોલીસ વડા (SP) અને રેન્જ ઇન્સ્પેક્ટર જનરલ (Range IG) કક્ષાના અધિકારીઓને રૂ. 2 કરોડની મર્યાદા સુધીની ખરીદી કરવાની અને નાણાકીય નિર્ણયો લેવાની સીધી સત્તા સોંપવામાં આવી છે. આ નિર્ણયથી પ્રાદેશિક અને જિલ્લા સ્તરે પોલીસ તંત્રની કામગીરી વધુ ઝડપી બનશે.અત્યાર સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓ કે રેન્જમાં જરૂરિયાત મુજબની ખરીદી કે નાણાકીય મંજૂરીઓ મેળવવા માટે ફાઇલો રાજ્યના પોલીસ વડા (DGP) સુધી મોકલવી પડતી હતી.

